નવી દિલ્હીઃ નવનિયુક્ત વિદેશમંત્રી એસ. જયશંકરે સતત બીજા કાર્યકાળ માટે વિદેશમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે વિદેશમંત્રીએ ચીન સાથેના સરહદી મુ્દ્દાઓનો ઉકેલ શોધવા પર આગામી દિવસોમાં ધ્યાન કેન્દ્રીત કરશે તેમ જણાવ્યુ હતુ.
નવનિયુક્ત વિદેશમંત્રી એસ. જયશંકરને નરેન્દ્ર મોદી 3.0 સરકારમાં ફરી વિદેશમંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આજે તેમણે સતત બીજા કાર્યકાળ માટે વિદેશમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે એસ. જયશંકરે કહ્યુ કે, ભારત અને ચીન 3,800 કિલોમિટરની જમીની સરહદ વહેંચે છે. તેમાંથી મોટા ભાગની જમીન પર યોગ્ય રીતે સીમાંકન હજુ સુધી થઈ શક્યુ નથી. ચીન વર્ષ 2020થી લશ્કરી ગતિરોધમાં રોકાયેલુ છે. ચીન સાથે પાંચ દાયકાની સૌથી ખરાબ અથડામણમાં ઓછામાં ઓછા 20 ભારતીય સૈનિકો અને ચાર ચીની સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. આવા સંજોગોમાં ભારતના પડોશી દેશ ચીન સાથે લાંબા સમયથી તણાવપૂર્ણ સંબંધો ધરાવતા ચીન સાથેના સરહદી મુદ્દાઓનો ઉકેલ લાવવા પર આગામી સમયમાં ધ્યાન કેન્દ્રીત કરાશે.