સત્તાની લાલચ? ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મળશે તો સંસદ પર હુમલા કરનારાને માફ કરીશ
દિલ્હી: અમેરિકા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા ફરીવાર રાષ્ટ્રપતિ બનવાની તૈયારી શરૂ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તેઓ અત્યારથી એક્ટિવ જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા શનિવારે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે જેને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે.
ડોનાલ્ડ ટ્રંપ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો વર્ષ 2024માં તેઓ ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી લડે અને જીતે, તો તેઓ કેપિટલ હિલ (અમેરિકન સંસદ)માં ગયા વર્ષે 6 જાન્યુઆરીએ હિંસા કરવાને લીધે ક્રિમિનલ ઓફેન્સનો સામનો કરી રહેલા લોકોને માફ કરી દેશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં 2020માં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના નેતા ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણીમાં ઊભેલા જો બાયડને જીત મેળવી હતી. પરંતુ ટ્રમ્પે હાર માનવાનો ઇનકાર કરી દીધો અને ચૂંટણીમાં ગોટાળાના આરોપ લગાવ્યા હતા. જે પછી તેમના સમર્થકોએ સંસદ પર હુમલો કર્યો હતો.
હવે ટ્રમ્પે ટેક્સાસમાં એક રેલી દરમિયાન આ લોકોને માફ કરવાની વાત ઉચ્ચારી છે. રેલીમાં ટ્રમ્પે કહ્યું, ‘અમે વધુ એક પગલું લઈશું, અને ઘણાં લોકો મને આ વિશે પૂછી રહ્યા છે, જો હું ચૂંટણીમાં ઊભો રહ્યો અને જીત્યો, તો અમે 6 જાન્યુઆરીના એ લોકો સાથે યોગ્ય વ્યવહાર કરશું. અને જો એ માટે માફ કરવાની આવશ્યતા છે તો તેમને માફ કરશું. કેમ કે, તેમની સાથે ઘણો અન્યાય થઈ રહ્યો છે.’ 6 જાન્યુઆરી 2021ના હજારો ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ પર હુમલો કર્યો હતો. આ વર્ષ 1812ના યુદ્ધ બાદ કોંગ્રેસ પર સૌથો મોટો હુમલો હતો.
જાણકારી અનુસાર અમેરિકામાં ટ્રંપ અને જો બાઈડન વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો હતો. પણ આખરે જો બાઈડન બાજી મારતા સત્તા પર આવ્યા હતા.