નવી દિલ્હી: મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ આજે દિલ્હી જવા માટે રવાના થવાના હતા. સાંસદ નકુલનાથે એક્સ હેન્ડલ પરથી કોંગ્રેસનું નામ પણ હટાવી દીધું છે. શુક્રવારે જ મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ વી. ડી. શર્માએ બંનેનું ખુલ્લા મનથી ભાજપમાં સ્વાગત કરવાની વાત કહી હતી. આ સિવાય ભાજપનો કોઈ નેતા આ બંનેની વિરુદ્ધ કોઈ નિવેદનબાજી પણ કરી રહ્યો નથી.
જાણકારી મુજબ, કમલનાથ છિંદવાડાની મુલાકાતને અધવચ્ચે મૂકીને દિલ્હી આવી રહ્યા છે. તેઓ લગભગ 3.15 કલાકે દિલ્હી પહોંચવાના છે.
બીજી તરફ તેમના સાંસદ પુત્ર નકુલનાથે એક્સ હેન્ડલ પરથી કોંગ્રેસનું નામ હટાવીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ પહેલા કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કમલનાથના ભાજપમાં સામેલ થવાની અટકળોને રદિયો આપતા કહ્યુ હતુ કે કમલનાથ છિંદવાડામાં છે. મારી ગઈકાલે રાત્રે તેમની સાથે વાત થઈ છે, તેઓ છિંદવાડામાં છે. જે વ્યક્તિએ પોતાના રાજકીય જીવનની શરૂઆત નહેરુ-ગાંધી પરિવારની સાથે કરી હતી, તે તે સમયે તેમની સાથે ઉભા હતા, જ્યારે આખી જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર ઈન્દિરા ગાંધીને જેલમાં મોકલી રહી હતી. તમે તેમનાથી આશા પણ કેવી રીતે કરી શકો છો કે તેઓ સોનિયા ગાંધીના પરિવારને છોડીને જશે.
મહત્વપૂર્ણ છે કે આ સપ્તાહની શરૂઆતમાં જ કોંગ્રેસને મોટો આંચકો આપતા મધ્યપ્રદેશ કોંગ્રેસ એકમના ઘણાં નેતાઓએ પક્ષપલ્ટો કર્યો હતો. ભૂતપૂર્વ ધારાસભ્ય દિનેશ અહિરવાર અને વિદિશાથી કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ રાકેશ કટારે 12 ફેબ્રુઆરીએ ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
ભાજપના પ્રદેશ પ્રમુખ વી. ડી. શર્માએ કહ્યુ હતુ કે પાર્ટીના દરવાજા એ નેતાઓ માટે ખુલ્લા છે, જેઓ પાર્ટી તરફથી અયોધ્યાના રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણનો અસ્વીકાર કરવાથી નારાજ હતા.
કમલનાથના ભાજપમાં સામેલ થવાની અટકળો પર સવાલના જવાબમાં વી. ડી. શર્માએ કહ્યુ હતુ કે તો હું આજે તમને માહોલ જણાવી રહ્યો છું. અમે અમારા દરવાજા ખુલ્લા રાખ્યા છે, કારણ કે કોંગ્રેસમાં એવા લોકો છે જેમને લાગે છે કે કોંગ્રેસ ભગવાન રામનો બહિષ્કાર કરે છે, ભારતના દિલમાં રામ છે. જ્યારે કોંગ્રેસ તેમનું અપમાન કરે છે, તો આવા લોકો પણ છે જેમને આનાથી દુખ હોય છે, જે પરેશાન હોય છે અને તેમને મોકો મળવો જોઈએ.