શિમલા: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીમાં સત્તાધારી કોંગ્રેસ પાર્ટીના 6 ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું અને આ વોટિંગ ભાજપના ઉમેદવારના પક્ષમાં થયું હતું. તેના પછી રાજકીય ડ્રામા ચરમસીમાએ છે. ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યોએ સવારે રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લા સાથે મુલાકાત કરી છે અને વિધાનસભામાં વોટ ડિવિઝનની માગણી કરી છે.
બીજી તરફ વિધાનસભા સ્પીકર કુલદીપ પઠાનિયાએ પણ રાજભવન જઈને રાજ્યપાલની સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસે ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો પાસેથી જવાબ માંગ્યો છે. તેવામાં સવાલ ઉઠે છે કે શું હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સુખવિંદરસિંહ સક્ખૂની સરકાર પડી જશે? અથવા ક્રોસ વોટિંગ કરનારા 6 કોંગ્રેસી ધારાસભ્યો પર પક્ષપલટાના કાયદા હેઠલ અયોગ્યતાની કાર્યવાહી કરાશે?
1985માં સંસદ દ્વારા 52મા બંધારણીય સંશોધન દ્વારા બંધારણની 10મી અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈ છે. તે 2002થી પ્રભાવી છે. આ કાયદો સંસદ અથવા વિધાનસભાઓમાં કોઈપણ સાંસદ અથવા ધારાસભ્યના કોઈપણ પ્રલોભન અથવા લાલચથી પ્રેરીત થઈને અન્ય પક્ષમાં સામમેલ થવા અથવા તે પક્ષમાં મતદાન કરવાથી રોકે છે. પક્ષપલટા વિરોધી કાયદો એ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યો હતો કે પાર્ટીના કોઈ સદસ્ય પાર્ટીના જનાદેશનું ઉલ્લંઘન કરી શકે નહીં અને જો તે આમ કરે છે, તો તે ગૃહની સદસ્યતા ગુમાવી દેશે.
આ કાયદો સંસદ અને રાજ્ય વિધાનસભાઓ બંનેમાં લાગુ થાય છે. આ કાયદાનો ઉદેસ્ય સાંસદો અથવા ધારાસભ્યોને કોઈપણ વ્યક્તિગત ઉદેશ્ય માટે પણ રાજકીય પક્ષ બદલવાથી રોકે છે. જો કે આ નિયમમાં કેટલાક અપવાદ પણ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પક્ષના કુલ બે તૃતિયાંશ સદસ્યો કોઈ અન્ય પક્ષમાં વિલય થવાનો નિર્ણય કરે છે અથવા આ પાર્ટીથી અલગ સ્ટેન્ડ ધરાવે છે અથવા ગૃહની અંદર અન્ય દળના પક્ષમાં મતદાન કરે છે, તો તેમના પર આ કાયદો પ્રભાવી નહીં હોય.
પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈઓ પ્રમાણે રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગના મામલામાં આ નિયમ કોઈપણ ધારાસભ્ય પર લાગુ થતો નથી. લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ પીડીટી આચાર્યે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશ રાજ્યસભા ચૂંટણીઓમાં થયેલા ક્રોસ વોટિંગના મામલામાં એન્ટી ડિફેક્શન લો અથવા પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થતો નથી. કારણ કે રાજ્યસભાની ચૂંટણી ચૂંટણી પંચ દ્વારા કરાવવામાં આવે છે અને તેમાં વિધાનસભાની કોઈ ભૂમિકા હોતી નથી.
તેમણે કહ્યુ છે કે આ કાયદો સંસદ અથવા વિધાનસભાની અંદર થનારા વોટિંગ અને તેમાં કરવામાં આવેલા ક્રોસ વોટિંગ પર લાગુ થઈ શકે છે. આચાર્યે કહ્યુ છે કે આવી પરિસ્થિતિઓમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને પાર્ટી વ્યક્તિગત રીતે સવાલજવાબ કરી શકે છે અથા તેમના પર પાર્ટી વિરોધી હરકતોમાં સંડોવણી બદલ શિસ્તભંગની અને દંડાત્મક કાર્યવાહી કરી શકે છે. આ તે પાર્ટીનો આંતરીક મામલો છે, પરંતુ આના પર કોઈ કાયદાકીય જોગવાઈ નથી.
મહત્વપૂર્ણ છે કે હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીમાં મંગળવારે કોંગ્રેસના 40માંથી 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનને ક્રોસ વોટિંગમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોના વોટ મળ્યા હતા. આ સિવાય કોંગ્રેસને સમર્થન આપી રહેલા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપના ઉમેદવારને વોટ આપ્યા હતા. તેના કારણે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી અને ભાજપના હર્ષ મહાજનને 34-34 વોટ પ્રાપ્ત થયા હતા. બાદમાં ડ્રો દ્વારા હર્ષ મહાજનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.