Site icon Revoi.in

પાકિસ્તાનની નાપાક હરકતોથી પરેશાન અફઘાનિસ્તાને યુએનમાં કરી ફરિયાદ

Social Share

પાકિસ્તાન ગત ઘણાં વર્ષોથી અફઘાનિસ્તાનની સરહદે મોર્ટાર, આર્ટિલરી અને અન્ય પ્રકારના ફાયરિંગ કરતું રહે છે. તેના સિવાય તાલિબાનો સાથે સંબંધો વધારીને પાકિસ્તાન અફઘાનિસ્તાનની આંતરીક બાબતોમાં દખલગીરી કરી રહ્યું છે.

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનની સકરારે 22 ફેબ્રુઆરીએ એક પત્ર લખીને પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનની સરહદમાં સતત થઈ રહેલા અતિક્રમણની ફરિયાદ કરી છે. અફઘાનિસ્તાનની સરકારે પોતાના પત્રમાં સંયુક્ત રાષ્ટ્રને આગ્રહ કર્યો છે કે તેઓ આ મામલાને અસરકારક રીતે ઉકેલવા માટે જરૂરી પગલા ઉઠાવે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને 2012થી 2017 દરમિયાન અફઘાનિસ્તાનની સરહદમાં 28 હજાર 849 શેલ ફાયર કર્યા છે. તેના કારણે અફઘાનિસ્તાનના 82 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 187 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

એક સપ્તાહની અંદર અફઘાનિસ્તાનની સકરાર દ્વારા આ મામલામાં યુએમાં લખવામાં આવેલો આ બીજો પત્ર છે. અફઘાનિસ્તાને પહેલા પત્રમાં ફરિયાદ કરી હતી કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ઈસ્લામાબાદમાં તાલિબાની નેતાઓ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. આ લેટરમાં અફઘાનિસ્તાનની સરકારે કહ્યું હતું કે આ મીટિંગ અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયાને મર્યાદીત કરે છે અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે. તેના પછી આ બેઠકને રદ્દ કરવી પડી હતી. તાલિબાની નેતાઓએ આ બેઠક રદ્દ કરતા કહ્યુ હતુ કે સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા દ્વારા તેમના પ્રવાસો પર ઘણાં પ્રકારના પ્રતિબંધો લગાવવાને કારણે તેઓ પાકિસ્તાન જઈ શકે તેમ નથી. તેના પર એવી વાત સામે આવી હતી કે પાકિસ્તાન પોતાના સ્તર પર તાલિબાનોને મનાવવાની કોશિશ કરી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના નાયબ સ્થાયી પ્રતિનિધિ નજીફુલ્લાહ સલારજાઈએ આ પત્રમાં લખ્યું હતું કે પાકિસ્તાન દ્વારા આવા ઉલ્લંઘનોની પ્રકૃતિની વાત કરીએ, તો તેઓ સતત અફઘાનિસ્તાનની સરહદમાં ગોળીબાર કરી રહ્યા છે. ખાસ કરીને કુનાર અને નાંગરહાર પ્રાંતના જિલ્લાઓ અને ગામડામાં તેઓ ગોળીબાર કરી રહ્યા છે. પાકિસ્તાન સતત પોતાના સૈન્ય વિમાનો મોકલીને સૈન્ય ચોકીઓ, બેરિયર, ફેન્સિંગ કરીને અફઘાનિસ્તાનની સીમાનું અતિક્રમણ કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનનું કહેવું છે કે પાકિસ્તાન આવી હરકતો 2012ના વર્ષથી કરી રહ્યું છે, પરંતુ 2017 બાદ આમા તીવ્રતા વધી છે. 2018ના પ્રારંભથી અત્યાર સુધી પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં 161 વખત સીમા પર અતિક્રમણ કર્યું છે અને 6025 શેલ ફાયર કર્યા છે.


આ પહેલા ચાલુ માસમાં આતંકવાદને પ્રોત્સાહિત કરવા બદલ પાકિસ્તાનના એમ્બેસેડરને નોટિસ આપી હતી. ઈરાને દક્ષિણ-પૂર્વ સિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલામાં ઈરાન રિવોલ્યૂશનરી ગાર્ડ્સના 27 સૈનિકોના મોત નીપજ્યા હતા. આ આતંકવાદી ઘટનાની જવાબદારી પાકિસ્તાનના એક આતંકવાદી સંગઠન જૈશ-ઉલ-અદલે લીધી છે. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રુહાનીએ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે ઈરાન પોતાના સૈનિકોના લોહીનો બદલો લઈને રહેશે.