ભાજપા જેને લોકસભાના સ્પીકર માટે નોમિનેટ કરશે તેને સમર્થન આપીશુઃ જેડીયું
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બની છે. હવે લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી થવાની છે. જેને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. આ અંગે જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ શુક્રવારે કહ્યું કે, ટીડીપી અને જેડીયુ એનડીએ સાથે છે. ભાજપ જેને સ્પીકર માટે નોમિનેટ કરશે અમે તેને સમર્થન આપીશું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકસભા અધ્યક્ષની ચૂંટણીને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ ચૂંટણી 26 જૂને યોજાશે. રાષ્ટ્રપતિ 27મીએ સંસદના બંને ગૃહોને સંબોધશે. આ પહેલા તમામ નવા ચૂંટાયેલા લોકસભા સાંસદોને શપથ લેવડાવવાની સાથે નવા સ્પીકરની પણ પસંદગી કરવામાં આવશે. 24 અને 25 જૂને પ્રોટેમ સ્પીકર નવા સાંસદોને શપથ લેવડાવશે.
લોકસભા ચૂંટણીમાં ભાજપની સરકાર બની છે, પરંતુ તે પૂર્ણ બહુમતી મેળવી શકી નથી. એનડીએ સરકાર તેના ઘટક પક્ષોના સમર્થન સાથે છે. આમાં ટીડીપી અને જેડીયુની મહત્વની ભૂમિકા છે. એનડીએમાં મંત્રી પદની વહેંચણી કરવામાં આવી છે, પરંતુ હવે લોકસભા અધ્યક્ષ પદને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ પદ કોણ સંભાળશે? શું ભાજપ તેને પોતાની પાસે રાખશે કે પછી આ પદ કોઈ સહયોગી પાસે જશે? પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ લોકસભા સ્પીકર પોતાની પાસે રાખવા જઈ રહી છે. 18મી લોકસભામાં પણ ભાજપના સાંસદને લોકસભાના સ્પીકર તરીકે પસંદ કરવામાં આવશે.