ગાંધીનગરમાં જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને ઓમિક્રોનનું ગ્રહણ લાગશે તો નહીં ને?
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. સાથે જ કોરોનાના નવા વાયરસ ઓમિક્રોનનું પણ ગુજરાતમાં આગમન થઈ જતાં લોકો ભયભીત બની ગયા છે. સરકારે પણ અગમચેતીના પગલાં ભરવાની તાકીદ કરી છે. તેમજ પાટનગર ગાંધીનગર ખાતે આવતા મહીને યોજાનારી વાઈબ્રન્ટ સમીટ પર ફરી અનિશ્ચિતતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. વાઈબ્રન્ટ સમીટ ફીઝીકલ ધોરણે યોજાઈ શકશે કે વર્ચ્યુઅલ બનાવી દેવાશે કે પછી સાવ રદ જ થશે તે વિશે અનેકવિધ અટકળો-અનુમાનાનો દોર શરુ થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં આગામી તા. 10મી જાન્યુઆરીથી યોજાનારી વાઈબ્રન્ટ સમીટ માટે રાજય સરકાર જેટ ઝડપે તૈયારીઓ કરી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મહાનગરોમાં રોડ શો શરુ થઈ ગયા છે, ત્યારે અધિકારીઓ વિદેશી ધરતી પર ગુજરાતનું આકર્ષણ સર્જવા માટે રોડ શો જેવા કાર્યક્રમો કરી રહ્યા છે, પરંતુ હવે એકાએક કોરોનાનો નવો ઓમિક્રોન વેરીએન્ટ ત્રાટકયો છે અને ભારત સહિતના દેશોમાં તેનો પગપેસારો શરુ થઈ ગયો છે. અમેરિકા, બ્રિટન, જાપાન સહિતના વિશ્વના અનેક દેશો પ્રવાસ નિયંત્રણો લાદવા માંડયા છે. ભારત સરકારે પણ કોરોનાનું સંક્રમણ હોય તેવા દેશોમાંથી આવતા લોકો-પ્રવાસી માટે કવોરન્ટાઈન નિયમો લાગુ કર્યા છે. ભારત સરકાર પણ હજુ વધુ નવા નિયંત્રણો લાગુ પાડે તેવી શકયતાનો ઈન્કાર થઈ શકતો નથી તેના પરિણામે વાયબ્રન્ટ સમીટ પરની અનિશ્ર્ચિતતા વધુ ઘેરી બની છે. ભારતમાં એક જ દિવસમાં ઓમિક્રોનના નવા 17 કેસ નોંધાતા સરકારને વધુ એલર્ટ થવુ પડે તે સ્વાભાવિક છે. કર્ણાટક ગુજરાત બાદ દિલ્હી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં નવા કેસ નોંધાયા છે. ભલે નવા ઓમિક્રોન વેરીએન્ટમાં લક્ષણો હળવા જ છે છતાં સરકાર કે તંત્ર કોઈ જોખમ લેવા ન માંગે તે સ્પષ્ટ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટ મામલે ગુજરાત સરકાર હવે કેન્દ્રના આશરે થઈ ગઈ છે. સમિટ ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય કેન્દ્ર સરકારની સુચનાના આધારે લેવામાં આવશે. વાયબ્રન્ટ સમિટ ચાલુ રાખવી તો ફીઝીકલી કરવી કે વર્ચ્યુઅલ કે પછી મુલત્વી રાખી દેવી તેનો નિર્ણય કેન્દ્રની સૂચના પ્રમાણે જ લેવાશે. વાઈબ્રન્ટ સમીટ ફીઝીકલ કે વર્ચ્યુઅલ ધોરણે યથાવત રહેવાની ગણતરીએ સરકાર વહીવટીતંત્ર અત્યારે તો તડામાર તૈયારીમાં વ્યસ્ત છે.
વાઈબ્રન્ટ ગુજરાત સમીટ માટે સરકાર તડામાર તૈયારી કરી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રોડ-શો કરી રહ્યા છે. તેઓ આ માટે દુબઈ પણ જવાના છે પરંતુ કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટના વધતા સંક્રમણથી બદલાયેલી સ્થિતિમાં પ્રવાસે જશે કે કેમ તે વિશે પ્રશ્નાર્થ છે. ગત મહીને પણ તેઓને દુબઈ પ્રવાસ મોકુફ રહ્યો હતો. હવે ફરી સમાન હાલત ઊભી થઈ છે.