Site icon Revoi.in

પતંગ રસિયાઓ માટે રાહત, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોના લાઈડલાઈનનું પાલન થાય તે દિશામાં કામગીરી શરૂ કરી છે. ત્યારે પતંગ પ્રેમીઓ માટે રાહતની વાત એ છે કે, ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણના દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે. તેમજ આવતીકાલથી રાજ્યમાં 3 દિવસ ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

રાજ્યના હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે. કચ્છમાં કોલ્ડવેવની પણ સંભાવના છે જ્યારે દરિયાકિનારાના વિસ્તારો કરતાં ઉત્તરી વિસ્તારોમાં ઠંડી પડવાની સંભાવના વધારે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અપર એક સરક્યુલેશનના કારણે તાપમાન વધ્યું હતું અને કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ભેજ વધારે હોવાથી તાપમાનનો પારો ઉંચો ગયો હતો પરંતુ ઉત્તરાયણના સમયમાં પારો ગગડી જવાની સંભાવના છે. તા. 13, 14 અને 15 જાન્યુઆરીએ વધુ ઠંડી પડવાની વકી છે. ઉત્તરાયણના બન્ને દિવસોએ પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે. પવનનું જોર વધુ નહીં હોય પરંતુ પતંગ રસિયા તહેવારની મજા લઇ શકશે. જો કે 15મી જાન્યુઆરીએ પવનનું જોર થોડું વધશે તેવું જણાઇ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણની ઉજવણી ઉપર મનાઈ ફરમાવવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા તૈયાર કરાયેલા માર્ગદર્શનનું પાલન થાય તેવી તાકીદ પણ કરવામાં આવી હતી.