અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર સાયક્લોનિક સરક્યુલેશનને લીધે રાજ્યભરમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 120 તાલુકામાં 6 ઈંચથી લઈને સામાન્ય ઝાપટાં સુધા વરસાદ પડ્યો હતો જેમાં સુરતના ઉંમરપાડામાં 6 ઈંચ, વલસાડમાં 4 ઈંચ, પારડીમાં 4 ઈંચ, સલસાણા, નવસારી, વાપીમાં ત્રણ ઈંચ, અને દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. દરમિયાન આજે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન 55 તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ વરસાદ પડ્યો હતો.
અરબી સમુદ્રના સરકયુલેશનની અસર તળે ગત રાત્રે સૌરાષ્ટ્ર-ગુજરાતના 129 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન ચોમાસા જેવો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સુરતના ઉંમરપાડામાં છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર 6 ઇંચ વરસાદ પડતા વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. આ ઉપરાંત વલસાડ શહેર તથા જિલ્લાના પારડી અને નવસારીના ખગ્રામમાં ચાર-ચાર ઇંચ, વલસાડના કપરાડા અને ઉંમરગામમાં 3.5 ઇંચ, સુરતના મહુવામાં પણ 3.5 ઇંચ ઉપરાંત સુરતના પલસાણામાં 3, વાપી, નવસારી, ચિખલીમાં 3 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસી ગયો હતો.
આ ઉપરાંત ડાંગના વઘઈ, નવસારીના જબાલપોર, ડાંગ (આહવા) તથા વલસાડના ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. દરમિયાન સુરતના કામરેજ, નવસારીના વાંસદા, ગણદેવી, તાપીના વ્યારા, સુરત શહેર તથા જિલ્લાના બારડોલીમાં બે-બે ઇંચ વરસાદ ખાબકયો હતો. ડાંગના સબુરી, તાપીના વાલોદ, ડોલવાણ અને સોનગઢમાં પણ બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત નર્મદા જિલ્લામાં પણ દોઢ ઇંચ, સુરતના ઓલપાડ અને માંગરોળમાં દોઢ ઇંચ તેમજ ભરૂચમાં દોઢ, ભરૂચના વાલીયામાં દોઢ ઇંચ, નર્મદાના સાગબારામાં દોઢ ઇંચ, છોટા ઉદેપુરના કંવાટમાં સવા, તાપીના નજીરમાં સવા ઇંચ, ગીર સોમનાથના ઉનામાં સવા ઇંચ, અમરેલીના ખાંભામાં 1 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 1 ઇંચ તથા ભરૂચના હાંસોટ, વાગ્રા, દાહોદ, નર્મદાના ગરૂડેશ્વર, છોટા ઉદેપુરના નસવાડી, વડોદરાના કરજણ અને સિનોરમાં 0.5 ઇંચ તથા ભાવનગરના શિહોર, વલ્લભપુર, પાલીતાણા, અમરેલીના રાજુલા તથા જૂનાગઢના વિસાવદરમાં પણ 0.5-0.5 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન વરસ્યો હતો.