Site icon Revoi.in

રાજકોટ એરપોર્ટનું વિન્ટર શેડ્યુલ, અમદાવાદ જતી ફ્લાઈટ 27મી ઓકટોબરથી બંધ

Social Share

રાજકોટઃ  શહેરની ભાગેળો, હાઈવે નજીક ચોટીલાના હિરાસર ગામ પાસે કરોડોના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. જેના લોકોર્પણ બાદ ડોમેસ્ટીક ફ્લાઈટ્સ ઉડાન ભરી રહી છે પણ હજુસુધી એકપણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી નથી.  આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઈન્ડિગો અને એર ઈન્ડિયાના વિમાનો ઉડાન ભરે છે. જેમાં ઇન્ડિગો દ્વારા દૈનિક 6 સહિત 9 ફ્લાઈટનું સંચાલન કરવામા આવે છે. જ્યારે એર ઈન્ડિયાની 3 દૈનિક ફ્લાઈટ ઉડાન ભરે છે. તેમજ વિસ્તારાનુ નાનું એર ક્રાફટ દરરોજ માત્ર સુરત જવા માટે ઉડાન ભરે છે. ઇન્ડિગો દ્વારા રાજકોટથી મુંબઈ જવા માટે દરરોજ 3 તો એર ઇન્ડિયાની 2 ફ્લાઈટ ઉડાન ભરે છે. જ્યારે દિલ્હી જવા માટે ઇન્ડિગોની 1 અને એર ઈન્ડિયાની 1 એમ 2 જ ફ્લાઈટ ઉડાન ભરવાની છે. જ્યારે ઈન્ડિગો હાલ અમદાવાદ, ગોવા, બેંગ્લોર અને પુણે જવા માટે 1-1 ફલાઇટનુ સંચાલન કરે છે ત્યારે હવે 27મી ઓક્ટોબરથી શરૂ થતા નવા વિન્ટર શેડ્યુલમાં એક માત્ર હૈદરાબાદની ફ્લાઇટનો ઉમેરો થશે. જેની સામે અમદાવાદની ફ્લાઈટ બંધ થઈ જશે.

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના સૂત્રોના કહેવા મુજબ ઇન્ડિગો દ્વારા રાજકોટથી પુણે જવા માંગતા મુસાફરો માટે તાજેતરમાં જ મોટું એરક્રાફટ શરૂ કરવામા આવ્યુ છે. જેમાં 232 મુસાફરો બેસી શકે એટલી ક્ષમતા છે. આ ફ્લાઈટ દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે ઉડાન ભરે છે. આ ઉપરાંત હૈદરાબાદની એક દૈનિક ફ્લાઈટ છે. આ સિવાય ગોવા જવા માટે મંગળવાર, ગુરૂવાર અને શનિવાર એમ 3 દિવસ પ્રવાસીઓને ફ્લાઈટ મળી રહેશે. જ્યારે સુરત જવા માટે વિસ્તારાનું નાનું એર ક્રાફટ દરરોજ ઉડાન ભરે છે. જોકે તેમાં માત્ર 9 મુસાફરો જ બેસી શકે છે. જ્યારે અમદાવાદની એક માત્ર ફ્લાઈટ બુધવાર સિવાય દરરોજ ઉડાન ભરી રહી છે. જોકે હવે અમદાવાદની ફ્લાઈટ બંધ થઈ જશે જે હાલ 15.30 વાગ્યે રાજકોટ પહોંચે છે અને 15.50 વાગ્યે રાજકોટથી અમદાવાદ જવા માટે રવાના થાય છે.

રોજકોટ એરપોર્ટનું ફ્લાઈટ્સનું નવુ શિયાળુ સમયપત્રક જાહેર કરવામાં આવ્યુ છે. 27મી ઓક્ટોબરથી 29મી માર્ચ સુધી ઉડાન ભરનારી ફલાઇટનું શેડયુલ જાહેર કરાયુ છે. જેમાં અગાઉ એર ઇન્ડિયા દ્વારા દિલ્હીની વહેલી સવારથી ફ્લાઈટ શરૂ કરવા માટે પ્રપોઝલ મૂકવામાં આવી હતી. જોકે હકીકતમાં આ ફ્લાઈટ એર લાઇન્સ દ્વારા શરૂ કરવામાં ન આવતા હવાઈ મુસાફરોને તેનો લાભ નહીં મળે. આ સિવાય સ્ટાર એર લાઇન્સ દ્વારા રાજકોટથી વડોદરા વાયા અમદાવાદ અને રાજકોટથી અમદાવાદ વાયા વડોદરાની ફ્લાઈટ શરૂ કરવા માટે પ્રપોઝલ અગાઉ મૂકવામાં આવી હતી પરંતુ આ બન્ને ફ્લાઈટ પણ વિન્ટર શેડયુલમાં શરૂ થવાની નથી અને અમદાવાદની ફ્લાઈટ બંધ થતા દૈનિક 10 સહિત 12 ફ્લાઈટ ઉડાન ભરશે.