આઈટી દિગ્ગજ અને વિપ્રોના અધ્યક્ષ અઝીમ પ્રેમજીએ 52750 કરોડ રૂપિયા એટલે કે 7.5 અબજ ડોલર બજાર મૂલ્યના શેરો દાન કર્યા છે. અઝીમ પ્રેમજીએ જે રકમ દાન કરી છે, તે વિપ્રો લિમિટેડની 34 ટકા હિસ્સેદારી છે. તેમના ફાઉન્ડેશન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આના પહેલા પરોપકાકરના કાર્ય માટે દાન કરવામાં આવેલી કુલ રકમ 145000 કરોડ રૂપિયા એટલે કે 21 અબજ ડોલર થઈ ગઈ છે, જે વિપ્રો લિમિટેડના આર્થિક સ્વામિત્વના 67 ટકા છે.
તેની સાથે જ નિવેદનમાં કહેવામાં આવ્યું છેકે અઝીમ પ્રેમજીએ પોતાની અંગત મિલ્કતોનો વધુમાં વધુ ત્યાગ કરીને ધર્માંર્થ કાર્યો માટે તેને દાન કરીને પરોપકાર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વધારી છે. જેનાથી અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના પરોપકારના કાર્યોને સહયોગ મળશે.
તાજેતરમાં જાહેર કરવામાં આવેલી ફોર્બ્સની દુનિયાના અબજોપતિઓની યાદીમાં વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી 22.6 અબજ ડોલરની મિલ્કત સાથે આ યાદીમાં 36મા સ્થાન પર હતા. તો ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ મુકેશ અંબાણી દુનિયાના અબજોપતિની યાદીમાં પણ આગળ વધી રહ્યા છે. ફોર્બ્સની દુનિયાની અબજોપતિની યાદીમાં મુકેશ અંબાણી છ ક્રમાંકની છલાંગ લગાવીને 13મા સ્થાને પહોંચી ગયા છે. આ યાદીમાં જેફ બેજોસ જો કે આ વખતે પણ પહેલા સ્થાન પર છે. બેજોસ બાદ બિલ ગેટ્સ અને વોરેન બફેટનું સ્થાન છે. બેજોસની મિલ્કત ગત એક વર્ષમાં 19 અબજ ડોલરના વધારા સાથે 131 અબજ ડોલર થઈ છે.
મુકેશ અંબાણીની મિલ્કત 2018માં 40.1 અબજ ડોલર હતી અને તે વધીને હવે 50 અબજ ડોલર પર પહોંચી છે. દુનિયાના અમીરોમાં ગત વર્ષે તેઓ 19મા સ્થાન પર હતા અને આ વર્ષે છ સ્થાન ઉપર 13મા ક્રમાંકે પહોંચ્યા છે. જો કે તેમના ભાઈ અનિલ અંબાણી આ યાદીમાં 1349મા સ્થાન પર છે. આના પહેલા 2017ની ફોર્બ્સની અબજોપતિની યાદીમાં મુકેશ અંબાણી 33મા સ્થાન પર હતા. ફોર્બ્સની યાદીમાં સામેલ ભારતના 106 અબજોપતિમાં મુકેશ અંબાણી સૌથી આગળ છે.