દેશના સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ કરાશે, અમિત શાહે આપ્યા આદેશ
નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ ઝડપી કરવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રીએ સાયબર ક્રાઇમ મેનેજમેન્ટ માટે ઇકોસિસ્ટમ વિકસાવવા, પોલીસ દળોના આધુનિકીકરણ, આઇટીનો ઉપયોગ વધારવા, સરહદ વ્યવસ્થાપન અને દરિયાઇ સુરક્ષા મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. તેમજ ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, કર્મચારીઓને સમયસર પ્રમોશન મળે તે માટે વિભાગીય બઢતી સમિતિઓની બેઠકો નિયમિતપણે યોજવી જોઈએ. તેમજ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓ માટે આરોગ્ય સંભાળ સુવિધાઓ બનાવવા અને આવાસ ગુણોત્તર સુધારવા જેવા વિવિધ કલ્યાણકારી પગલાં લેવા જોઈએ. અને મંત્રાલયના અધિકારીઓએ વિકાસ યોજનાઓ પર નજર રાખવા માટે ક્ષેત્રની મુલાકાત લેવી જોઈએ. તેમજ કર્મચારીઓને સમયસર પ્રમોશન મળે તે માટે વિભાગીય બઢતી સમિતિઓની બેઠકો નિયમિતપણે યોજવા પણ સુચના કર્યું હતું.
ભારત પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, નેપાળ, બર્મા અને શ્રીલંકા સાથે જમીન અને દરિયાઈ સીમા ધરાવે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ સાથેની સહરદનો ભારતમાં ગેરકાયદે પ્રવૃતિ માટે ઉપયોગ થતો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પાકિસ્તાન અને ચીન સાથે લાંબા સમયથી સરહદ ઉપર વિવાદ ચાલી રહ્યો છે. જેથી દેશની સરહદોની સલામતી માટે મોદી સરકાર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશમાં સરહદની સાથે આંતરિક સુરક્ષા ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.