અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના શુભ દિને પરંપરાગતરીતે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. વૈશાખ અડધો પૂર્ણ થવા આવ્યો છે. એટલે અષાઢી બીજના પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રથયાત્રા દરમિયાન પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આગોતરૂ આયોજન કર્યું છે. શહેરની પોલીસે દોઢેક મહિના પહેલાથી કામગીરી જ શરૂ કરી દીધી છે. એકાદ બે દિવસ બાદથી શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં જોઇન્ટ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મોટી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાશે. જેમાં ખાડિયા, કાલુપુર અને ગાયકવાડ હવેલી વિસ્તારમાં ઝોન 3 ડીસીપીની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી જતી હોય છે ત્યારે આ વખતે રથયાત્રા પહેલાં IPL મેચ હોવાથી પોલીસ તમામ જગ્યાએ કોઈ કચાશ રાખવા માગતી નથી. IPL ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે, તે માટે પુરતો પોલીસ ફોર્સ ફાળવવામાં આવશે. ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી રથયાત્રાનું તમામ પ્રકારનું કાગળ પરનું પ્લાનિંગ કરી દેવાયું છે. પોલીસે શાહપુર, ગાયકવાડ હવેલી, કારંજ, દરિયાપુર, ખાડિયા એવા રૂટ પરના રોડ પર ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. આજે અથવા કાલે સેક્ટર 1 અધિક પોલીસ કમિશનર નિરજ બડગુજરની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ યોજાશે. પહેલા કારંજ, ખાડિયા અને બાદમાં ગાયકવાડ હવેલી તથા શહેર કોટડા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજાશે. જેમાં તમામ તાબાના પોલીસસ્ટેશનના કર્મીઓને સાથે રખાશે અને તેઓને હેલ્મેટ લાઠી સાથે હાજર રહેવા મેસેજ અપાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાયકવાડ હવેલી પોલીસ, ઝોન 3 ડીસીપી સુશીલ અગ્રવાલ દ્વારા રથાત્રા પ્લાનિંગ માટે મંદિર વહીવટી તંત્ર સાથે મીટિંગ કરવામાં આવી હતી. મંદિરનું શું આયોજન છે, પોલીસ જવાબદારી કેવી રીતે નિભાવશે, જેવી બાબતો ચર્ચાઇ હતી. ભજન મંડળી, ટ્રક, અખાડા સંખ્યા ગઇ રથયાત્રા મુજબની જ રહેવા વકી છે. (file photo)