તલાળા ગીરઃ સૌરાષ્ટ્રમાં તલાળા ગીર વિસ્તાર તેમજ ઊના પંથકમાં કેરીના અનેક બગીચાઓ આવેલા છે. આ વિસ્તારની કેસર કેરી સ્વાદમાં સુમધૂર હોવાથી દેશભરમાં જાણીતી છે. અને હવે તો વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. હવે ઉનાળાના આગમનને એક મહિનો બાકી રહ્યો છે. મહા મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. કેસર કરીના આંબા પર પોષ મહિનામાં જ મોર બેસી જતા હોય છે, પરંતુ 60 ટકા જેટલા આંબા પર હજુ સુધી મોર ન બેસતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સ્થિતિ માટે કૃષિ વૈજ્ઞાનિકો વાતાવરણને જવાબદાર ગણાવી રહ્યા છે.
સોરઠ પંથકમાં આંબા પર મોર ન બેસતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બે દિવસ પહેલાં જ જૂનાગઢ, તાલાલા, આંકોલવાડી સહિતના વિસ્તારમાં આવેલા આંબાના બગીચાનો સર્વે કરાયો હતો, જેમાં મોટા ભાગના બગીચાઓમાં 30થી 40 ટકા જેટલું જ ફ્લાવરિંગ(મોર) થયું હોવાનું જોવા મળ્યું હતું. કેસર કેરીના બગીચાઓમાં ફેબ્રુઆરી મહિનામાં પણ આંબા પર મોર ન આવતાં ખેડુતો ચિંતિત બન્યા છે. એક બાગાયતદાર ખેડુતના કહેવા મુજબ આ વર્ષે આંબા પર મોર જ નથી આવ્યા. અમે દર વર્ષે પાંચ લાખ રૂપિયામાં ઈજારો આપીએ છીએ, પરંતુ આ વર્ષે જે ઈજારેદારો જોવા માટે આવે છે, તેઓ બે લાખ રૂપિયા આપવા પણ તૈયાર નથી. તેઓ આંબાની સ્થિતિ જોઈને ચાલ્યા જાય છે.
ગીર પંથકમાં દર વર્ષે આંબાના બગીચાનો ઈજારો રાખતા વશરામભાઈ ગોહેલના કહેવા મુજબ અમે અલગ અલગ ખેતરમાં આંબાની સ્થિતિ જોવા માટે જઈ રહ્યા છીએ, પરંતુ ક્યાંય હજી સુધી મોર આવ્યા નથી. સામાન્ય રીતે અત્યારે તો ખાખડી કેરી આવી જતી હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણના કારણે હજી મોર પણ નથી દેખાતા. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધ્યાપકોના કહેવા મુજબ નવેમ્બર મહિનામાં જ આંબા પર ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ જતી હોય છે અને ફેબ્રુઆરીમાં તો ફ્લાવરિંગ પી સ્ટેજ એટલે કે વટાણા સ્ટેજ સુધી પહોંચી જતું હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે કેરીના પાકને માઠી અસર પડી રહી છે. આ વર્ષે લોકોએ શિયાળાનો અનુભવ પણ કર્યો નથી. નવેમ્બર મહિનામાં તાપમાન ખૂબ જ ઊંચું રહ્યું હતું. અને નીચા તાપમાનનો આ વર્ષે અનુભવ જ થયો નથી, જેને વાતાવરણની ભાષામાં ડાયનોલ વેરિએશન કહેવામાં આવે છે. વાતાવરણમાં આ વેરિએશનના કારણે આંબાના પાકોમાં પણ ફેરફાર જોવા મળે છે અને જે ફ્લાવરિંગ આંબામાં આવવું જોઈએ એ આવી શકતું નથી. આંબાના પાકને હાલના સમયે દિવસે 25 ડિગ્રી તાપમાન અને રાત્રે 12થી 15 ડિગ્રી તાપમાન મળવું જોઈએ, જે મળી નથી રહ્યું, જેના કારણે આંબા પર સમયસર મોર બેસી શક્યા નથી.