ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો બીજો રાઉન્ડ ચિંતાજનક બની રહ્યો છે. દરરોજ 2000થી વધુ કેસ તેમજ 20થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. હાલમાં અમદાવાદ સિવિલ સહિત મોટાભાગની ખાનગી કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. ત્યારે હવે સરકારે ખાનગી કોવિડ હોસ્પિટલની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરી હતી.
રાજ્યમાં કોરોનાનો બીજો રાઉન્ડ ચિંતાજનક બની રહ્યો છે. ગત વર્ષે રાજ્યમાં કોરોનાના પ્રથમ રાઉન્ડમાં સંક્રમણ ખુબ જ વધ્યું હતું ત્યારે રાજ્યના નાગરિક સારવારથી વંચિત ન રહે તે હેતુથી ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ રાજ્ય સરકારે પોતાની હસ્તક લીધી હતી. જ્યારે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું ત્યારે સરકારી હોસ્પિટલમાં 80 ટકાથી વધુ પથારીઓ ખાલી થઈ હતી. પરંતુ હવે કોરોના સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે ત્યારે નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેશે એવું નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.
ગુજરાતમાં કોરોના નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે સોમવારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો હતો અને ઓલટાઈમ હાઈ કેસ નોધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 3160 નવા કેસ નોંધાયા હતા અને 2018 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4581એ પહોંચ્યો હતો. જ્યારે રિક્વરી રેટ 93.52 ટકા થયો હતો. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 16 હજારને પાર થઈ ગયો છે. સોમવારે સુરતમાં 7, અમદાવાદમાં 6, ભાવનગર અને વડોદરામાં 1-1 મળી કુલ 15 દર્દીના મોત થયાં છે. આ પહેલા 8 ડિસેમ્બરે 15 દર્દીના મોત થયા હતા. આમ લગભગ 4 મહિને ફરી 15 દર્દીના મોત થયા છે.