ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીમાં નવસારીની બેઠક પર જંગી બહુમતીથી ચૂંટાયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલનો કેન્દ્રિય મંત્રી મંડળમાં સમાવેશ કરાતા હવે ગુજરાતમાં ભાજપને નવા અધ્યક્ષ નિમવા પડશે. તેના માટે અટકળોને દોર શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી છે, ત્યારે પ્રદેશ પ્રમુખ પદે હવે કયાં સમાજને નેતૃત્વ સોંપાશે તેની અટકળો ચાલી રહી છે. એકાદ-બે મહિનામાં નિર્ણય લેવાશે. એવું સૂત્રો કહી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં નવસારીની બેઠક પરથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ જંગી બહુમતી સાથે ચૂંટાતા તેમનો કેન્દ્રિય પ્રધાન મંડળમાં સમાવેશ કરાયો છે. ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેનો હવાલો પાટિલે છોડવો પડશે. આમ પણ તેમની ટર્મ પૂર્ણ તો થઈ જ છે, પરંતુ વધારાનું એક વર્ષનું આપવામાં આવેલું એક્સટેન્શન પણ પૂર્ણતાના આરે છે ત્યારે તેમના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે અનેક નામ ચર્ચામાં આવવા લાગ્યા છે. ભાજપનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે પણ પાટીદાર મુખ્યમંત્રી હોય તેવા સંજોગોમાં ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે ત્યારે જો આ વખતે પણ ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ બનાવાય તો ભાજપના અનુભવી ચહેરામાંથી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજાના નામ પર કળશ ઢોળાઈ શકે છે. આ ઉપરાંત જો પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજ અંગે વિચારણા કરવામાં આવતી હોય તો વિધાનસભાના હાલના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર અથવા તો ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ દિનેશ અનાવાડિયાના નામ પર કળશ ઢોળાઈ શકે છે. તો બીજી તરફ જો આદિવાસી થિયરી ઉપર ભાજપ વિચારણા કરે તો પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલના નામનો પણ સમાવેશ થઈ શકે છે. આમ ભાજપના કાર્યકર્તાઓમાં અનેક નામો ચર્ચાય રહ્યા છે. કોના પર કળશ ઢોળાશે તે તો ભાજપનું હાઈકમાન્ડ જ નક્કી કરશે.
સૂત્રોના કહેવા મુજબ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઉપરાંત પ્રદેશના માળખામાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. દિલ્હીમાં સરકાર રચના, કેબીનેટ, ખાતા ફાળવણી સહિતની પ્રક્રિયા ચાલુ છે. આથી ગુજરાત ભાજપના નવા પ્રમુખની જાહેરાત જુલાઇમાં થવાની ધારણા છે. રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાગીરીમાં આ રીતે ટુંક સમયમાં નવા અને મોટા ફેરફાર આવશે.