- ગુજરાતમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા
- વિદેશથી આવેલા વ્યક્તિઓ સંક્રમિત
- લોકોએ સતર્ક રહેવાની જરૂર
અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર તો વધી જ રહ્યું છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોનથી સંક્રમિત 4 લોકો જોવા મળ્યા છે. જાણકારી અનુસાર સુરતમાં દુબઈથી આવેલી મહિલામાં વેરીયંટ જોવા મળ્યો, તો ગાંધીનગરમાં 15 વર્ષીય કિશોર લંડનથી આવતા જ તેના પણ ઓમિક્રોનનાં લક્ષણો જોવા મળ્યા છે. વડોદરામાં બે દિવસ પહેલા જ ઓમિક્રોન આવી ચુક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ એક કેસ જોવા મળ્યો છે.
આજે ગુજરાતના ચાર મહાનગર,અમદાવાદ,રાજકોટ,સુરત સાથે ગાંધીનગરમાં ઓમિક્રોન પોઝિટીવનાં કેસ નોંધાતા, નાગરિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર મૂળ લંડનથી દુબઈ થઈને આવેલા આણંદના 48 વર્ષના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. હાલમાં આ દર્દી સંપૂર્ણ પણે સ્વસ્થ છે. કોરોનાના નવા વેરિયન્ટને લઈને સતર્કતા દાખવવા નાગરિકોએ ખુદ પર ધ્યાન દેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
છેલ્લા બે દિવસથી રાજકોટ,અમદાવાદ,સુરત અને વડોદરામાં શાળાના બાળકો કોરોના સંક્રમિત થતા, અમદાવાદ વાલી મંડળે એક મહિના સુધી શાળાઓ બંધ કરવા માટે રાજ્ય સરકારને પત્ર લખીને માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે,કોરોનાવાયરસના આ નવા વેરિયન્ટનો પહેલો કેસ સાઉથ આફ્રિકામાં નોંધાયો હતો અને તે બાદ હવે છેલ્લા કેટલાક દિવસોથી યુરોપના પણ કેટલાક દેશોમાં નવી લહેર જોવા મળી હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ફ્રાન્સ અને યુકેમાં અત્યંત મોટી સંખ્યામાં કોરોનાવાયરસના કેસ જોવા મળી રહ્યા છે.