1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતની નવી ઉદ્યોગનીતિથી ઉદ્યોગકારો માટે બેય હાથમાં લાડુ જેવી સ્થિતિઃ વડાપ્રધાન મોદી
ગુજરાતની નવી ઉદ્યોગનીતિથી ઉદ્યોગકારો માટે બેય હાથમાં લાડુ જેવી સ્થિતિઃ વડાપ્રધાન મોદી

ગુજરાતની નવી ઉદ્યોગનીતિથી ઉદ્યોગકારો માટે બેય હાથમાં લાડુ જેવી સ્થિતિઃ વડાપ્રધાન મોદી

0
Social Share

રાજકોટઃ  જિલ્લાના જામકંડોરણા ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતનો આત્મ વિશ્વાસ આજે બુલંદ છે. ગુજરાત અને દેશની સરકારના વડા તરીકે કાર્યરત થયાને પોતાને 21 વર્ષ થયા છે અને તેની શરૂઆત રાજકોટથી થઈ છે. કચ્છ-કાઠિયાવાડ અને રાજકોટની જનતાની ભાવનાઓ અને આકાંક્ષાઓને આદેશ માન્યા છે. એ આદેશોને પૂર્ણ કરવામાં પોતાની જાતને ખપાવી છે.

વડાપ્રધાનએ સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, બે દાયકાઓ પહેલાં ગુજરાત સૂકું ભઠ હતું, દરિયાઈ સીમાઓના વિસ્તાર વિકાસથી વંચિત હતો. જ્યારે આજે ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. વિકાસ આજે જન આંદોલન બની ગયું છે અને રાજકોટ શિક્ષણ હબ બન્યું છે. ગુજરાતના ગામડાના યુવાનો હવે માતૃભાષામાં મેડિકલ અને એન્જીનિયરિંગ ભણી શકશે. રાજકોટ ગુજરાતના ચમકતા સિતારાની જેમ છે. 20-25 વર્ષ પહેલાં કોઈને કલ્પના પણ નહોતી પણ આજે રાજકોટ ઓટોમોબાઇલ હબ બન્યું છે. આજે જમાનો આઈટીનો છે ત્યારે આ ક્ષેત્રમાં 800થી વધુ નવા યુનિટ કાર્યરત છે.

ગુજરાતની તમામ ક્ષેત્રોની વિકાસ ગાથા વર્ણવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતે સમુદ્ર કિનારાને જાગતો કર્યો છે અને બંદરોને દેશના પ્રવેશદ્વાર બનાવ્યા છે. જ્યારે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટને દુનિયા સાથે જોડશે. એ દિવસો દૂર નથી જ્યારે રાજકોટના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સ બનાવવાના ઓર્ડર મળશે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે તેમણે કહ્યું હતું કે, પહેલા ઊભા પાક લણાઈ જતા, સાંજે બહેન દીકરીઓની છેડતીઓ થતી, પણ હવે એ દ્રશ્યો બદલાયા છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર-ભૂપેન્દ્રની સરકાર નવી ઉદ્યોગ પોલિસી લાવી છે, જેના કારણે લઘુ ઉદ્યોગકારો માટે બંને હાથમાં લાડુ જેવી સ્થિતિ છે. ઉદ્યોગોને નક્કર દિશા આપતી નવી નીતિ બદલ તેમણે ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, 40 વર્ષ સુધી ખેડુતોએ પાણી માટે વલખાં માર્યા હતા, તેમની જમીન અને જીંદગી સુકી ભઠ થઈ ગઈ હતી. રાહતકામોમાં ખાડા ખોદીને ગુજરાન ચલાવતા હતા. છેલ્લા અઢી વર્ષની વિકાસ યાત્રામાં અમારી સરકારે ખેડુતોની પાણી માટેની તરસને તૃપ્ત કરી છે. ખેડુતોને પાણીદાર બનાવ્યા છે. અત્યારે ગુજરાતનો એગ્રીકલ્ચર ગ્રોથ 9થી 10% નો થયો છે. મા નર્મદાના પાણીના સ્પર્શથી સૌરાષ્ટ્રની ભૂમી પર સોનું ઊગી નિકળ્યુ છે. કપાસ અને મગફળીના પૂરતા ભાવ ખેડૂતોને મળતા થયા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતની પ્રજા પાણી, વીજળી , શિક્ષણ , રોજગારી સહિતના અનેક પ્રશ્નોથી પીડાઈ રહી હતી. નરેન્દ્રભાઈએ આ પીડા સમજી પીવાના પાણીની સમસ્યા માટે નર્મદાના પાણીની સૌની યોજનાથી સૌરાષ્ટ્ર કચ્છ પહોંચાડી તરસ છીપાવી, ખેડૂતોને 24 કલાક વીજળી, શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે અનેક પગલાંઓ લઈ યુવાઓને નવી દિશા પુરી પાડી છે. આ તકે મુખ્યમંત્રીએ  ડબલ એન્જીનની સરકારે રાજકોટના વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડી સમગ્ર સૌરાષ્ટ્રને વિકાસની દિશા પુરી પાડી હોવાનું જણાવ્યું હતું.

પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે,  લોક કલ્યાણકારી અનેક યોજનાઓના માધ્યમથી સરકાર આજે લોકો સુધી પહોંચી તમામ સવલતો પુરી પાડવા નિરંતર પ્રયાસો કરી રહી છે. કોરોનાકાળમાં પણ વડાપ્રધાનએ દેશના વૈજ્ઞાનિકો ઉપર વિશ્વાસ રાખી ભરોસો મૂકીને દેશની જનતાને કોરાનાની રસી વિનામુલ્યે આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code