રેમડેસિવિર ઈન્જેક્શનનું ઉત્પાદન વધારવાની સાથે કિંમત પણ ઘટશેઃ મનસુખ માંડવિયા
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ રેમડેસિવિર ઈન્જેક્શનની અછતથી દર્દીઓના પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે તેના ઉત્પાદકો સાથે ઉચ્ચ કક્ષાની મીટીંગ થઈ હતી. જેમાં, રેમડેસીવીરના ઉત્પાદન/સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો લેવાયો હતો.
હાલમાં દેશના સાત રેમડેસિવિર ઉત્પાદકોની ક્ષમતા 38 લાખ વાઇલ પ્રતિમાસ છે. વધારાની 7 સાઈટ પર 10 લાખ વાઇલ પ્રતિમાસની પ્રોડક્શન કેપેસીટી ધરાવતા 6 ઉત્પાદકોને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટ-ટ્રેક એપ્રુવલ આપી દેવામાં આવી છે. બીજી વધારાની 30 લાખ વાઇલ પ્રતિમાસની વ્યવસ્થા પણ ઉભી કરાઈ રહી છે. જેથી રેમડેસિવિરની ઉત્પાદન ક્ષમતા ૭૮ લાખ વાઇલ પ્રતિમાસ નો ધરખમ વધારો થશે. DGFT દ્વારા રેમડેસીવીર પર તેના API અને ફોર્મ્યુલેશન માટે નિકાસ પ્રતિબંધિત કરાયો છે.
સરકારનાં હસ્તક્ષેપથી, રેમડેસીવીરના લગભગ 4 લાખ વાઇલ, કે જે એક્સપોર્ટ માટે બનાવાઈ રહી હતી, તેને સ્થાનિક/ઘરેલું માર્કેટની જરૂરીયાત માટે ડાયવર્ટ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોવિડ સામેની લડાઇમાં સાથે જોડાતાં રેમડેસિવિરના ઉત્પાદનકર્તાઓ સ્વેચ્છાએ રેમડેસીવીરનો ભાવ રૂ.3500 થી ઓછી કિંમતે આ અઠવાડિયાના અંત સુધીમાં ધટાડી દેશે. રેમડેસિવિરના ઉત્પાદકર્તાઓને સરકાર દ્વારા હોસ્પિટલોને જ પુરવઠો પૂરો પાડવા પ્રાધાન્યતા આપવા માટે નિર્દેશો અપાયા છે. DGGI દ્વારા ભારત અને રાજયની એનફ્રૌર્સમેન્ટ ઓથોરીટીને કાળા બજારી, સંગ્રહખોરી અને ભાવ વધારો રોકવા માટે ઝડપી પગલાં લેવા માટે નિર્દેશો અપાયા છે.