કાશ્મીર ઘાટીમાં 600થી વધારે હાઈબ્રિડ આતંકવાદી સક્રિય, સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં ટાર્ગેટ કિલીંગના બનાવોમાં વધારો થયો છે, બીજી તરફ સુરક્ષા અજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે અભિયાન તેજ બનાવ્યું છે. દરમિયાન કાશ્મીર ઘાટીમાં હાલમાં 600થી પણ વધુ હાઈબ્રિડ આતંકવાદીઓ સક્રિય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એટલું જ નહીં વિદેશી આતંકવાદીઓ આ હાઈબ્રિડ આતંકવાદીઓની મદદ કરી રહ્યા છે. હાઈબ્રિડ આતંકવાદીઓ પરપ્રાંતિય મજૂરો અને પંડિતોને ટાર્ગેટ કરીને ઘાટીમાં દહેશત ફેલાવી રહ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સરહદ ક્રોસ કરીને દેશમાં દહેશત ફાવવાનો પ્રયાસ કરતા પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ સામે ભારતીય સુરક્ષા એજન્સીઓએ આકરુ વલણ અપનાવ્યું છે. જેથી હવે સરહદ પાર બેઠેલા આતંકવાદીઓ કાશ્મીરમાં રહેતા તેમના સમર્થકોને આતંકી પ્રવૃતિને અંજામ આર્થિક મદદ કરી રહ્યાં છે.
ઘાટીમાં રહેલા આ સમર્થકો પહેલા આતંકવાદીઓને ચોરી છુપી રીતે રહેવાનો આશરો આપવા સહિતની કામગીરી કરતા હતા. હવે આ લોકો જ ઘાટીમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપે છે. આ બધા વિદેશી અને હાઈબ્રિડ આતંકવાદીઓનું જોડાણ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં એક ડઝન પ્રોક્સી આતંકવાદી સંગઠનો બન્યા છે.
આ તમામ સંગઠન વિદેશી આતંકવાદીઓને સતત મદદ કરી રહ્યા છે. આ દ્વારા તેઓ ન માત્ર આતંકવાદી ગતિવિધિઓ ચલાવી રહ્યા છે પરંતુ તેઓ ષડયંત્ર પણ રચી રહ્યા છે. હાલ ઘાટીમાં આવા લગભગ 600 જેટલા હાઈબ્રિડ આતંકવાદી સક્રીય થયાનું સામે આવ્યું છે. આ આતંકવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ છે.