Site icon Revoi.in

ચોમાસાને દોઢ મહિનાનો સમય બાકી છે, ત્યારે રાજકોટમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા આદેશ

Social Share

રાજકોટઃ ચોમાસાના વિધિવત આગમનને હવે દોઠ મહિનો બાકી રહ્યો છે. 15મી જુન સુધીમાં ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ જશે એવું હવામાન વિભાગનું પણ માનવું છે. ત્યારે અમદાવાદ સહિત તમામ મહાનગરો અને નગરોમાં પ્રી-મોન્સુનની કામગીરી શરૂ કરાવાની સરકારે પણ સુચના આપી દીધી છે. રાજકોટમાં ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે. ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે પણ ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈથી લઈને આગોતરૂ આયોજન કરવું પડે છે. પ્રિ-મોન્સુનની કામગીરી શરી કરવા માટે રાજકોટના મ્યુનિ.કમિશનર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મ્યુનિ.ના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિ.કમિશનરે ચોમાસા પૂર્વે 15 દિવસ સુધી દરેક વોર્ડમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા આદેશ આપ્યો હતો.  સાથે વોકળાઓમાં દબાણ હટાવવા અને સફાઈ માટે સૂચનો કર્યા હતા. તો નબળા બાંધકામ અને જોખમી હોર્ડિંગ હટાવવાની પણ તાકીદ કરી હતી.

રાજકોટ શહેરમાં પ્રી-મોન્સુનની કામગીરીના આયોજન માટે મ્યુનિ.કમિશનર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ડીએમસી, સીટી ઈજનેર, ફાયર ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ત્રણેય ઝોનના સીટી ઈજનેર, ટાઉન પ્લાનિંગ અધિકારી, વોર્ડ ઇન્ચાર્જને ચોમાસા પહેલા તૈયાર રહેવા તાકીદ કરવામાં આવી હતી. પ્રિ-મોન્સુન કાર્યવાહીની વિગતનું આયોજન, પીવાના પાણીને લગતી ફરિયાદો તથા તેના નિકાલના આયોજનની વિગતો, ભયગ્રસ્ત મકાનોનો સર્વે કરવા અંગે પણ સૂચના આપી હતી. આ ઉપરાંત ચોમાસા દરમિયાન ભરાયેલા વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્યવસ્થા, પંપ વિક્રેતાઓની યાદી-ફોન નંબર, ઉપલબ્ધ પંપની વ્યવસ્થા, વરસાદનું સતત મોનીટરીંગ, આંકડા મેળવી, ચકાસીને તંત્રવાહકોને માહિતગાર કરવા, વેબસાઇટ તથા એલ.ઇ.ડી. બોર્ડ પર મુકવા તેમજ આઇ.સી.સી.સી.માં મોનીટરીંગ કરવાનું મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું.