Site icon Revoi.in

અંબાજીમાં હજુ દોઢ મહિનો બાકી છે, ત્યાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ કરાઈ

Social Share

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લોખોની જમ મેદની ઉમટી પડતી હોય છે. હવે ભાદરવી પૂનમને દોઢ મહિનો બાકી રહ્યો છે, ત્યારે વહિવટી વિભાગ દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.જેમાં સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી 28 જેટલી સમિતિઓની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ કલેકટર દ્વારા પાર્કિગ, એસ.ટી. બસ સેવા અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે અંબાજી આસપાસના સ્થળોનું નિરીક્ષણ કર્યુ હતું. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. આ વખતે ભાદરવી પુનમના મેળામાં યાત્રિકોમાં વધારો થાય એવી શક્યતા છે. યાત્રિકોને અગવડ ન પડે તે રીતનું સુચારૂ આયોજન કરવામાં આવી રહ્યું છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં  ભાદરવી પૂનમનો મહામેળો તા. 5 થી 10 સપ્ટેમ્બર-2022 દરમિયાન યોજાશે. આ મહામેળાના સુચારૂ આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અત્યારથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.  ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટર આનંદ પટેલ દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી 28 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ પૈકી અગત્યની સમિતિઓની બેઠક અંબાજી ખાતે યોજાઇ હતી. જેમાં મેળા સંદર્ભે કરવાની કામગીરીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ અંબાજીમાં મેળા દરમિયાન પાર્કિગ, એસ.ટી.બસ સેવા અને તેનું પાર્કિગ, યાત્રાળુઓની સુરક્ષા માટે અંબાજી આસપાસના વિસ્તારોની જાત મુલાકાત લઇ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારી સુશીલ પરમાર સહિત વિવિધ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.