અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના શાસનમાં વિકાસના કામો થયાં છે. અધુરા વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. તેમજ નવા વિકાસ કાર્યો પણ સંગઠનને સાથે લઈને કરવામાં આવશે. એટલું જ નહીં ગ્રામીણ વિસ્તારના છેવાડાના માનવીને પણ વિકાસનો લાભ મળે તે દિશામાં કામગીરી કરવામાં આવશે. તેમ નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી પામેલા ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી પામેલા ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હું નાનામાં નાનો રહીને કામ કરતો રહીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા, સી.આર.પાટીલ અને વિજય રૂપાણી સહિતના આગેવાનોએ મારી ઉપર જે વિશ્વાસ મુક્યો છે હું તમામનો આભારી છું. ગુજરાતમાં અત્યાર સુધી વિકાસ થયો છે અને વિકાસના જે કામ અધૂરા છે તેને ઝડપથી પુરા કરવામાં આવશે. એટલું જ નહીં સંગઠનને સાથે લઈને વિકાસના કામોને આગળ વધારવામાં આવશે. તેમજ ગુજરાતના છેવાડાના માનવી સુધી વિકસના કામો પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવશે.
સીએમ અંગે પસંદગી મામલે તેમણે કહ્યું હતું કે, મને કોઈ અણકાર ન હતો પરંતુ ભાજપમાં સામાન્ય કાર્યકરને મહત્વની જવાબદારી સોંપવામાં આવે છે. તેમજ પાર્ટી કહે ત્યારે જ ખબર પડે છે. ભાજપ પાર્ટી ચૂંટણીને લગતી કામગીરી કરતી પાર્ટી નથી. દરેક કાર્યકર પ્રજાની વચ્ચે રહીને કામ કરતો રહ્યો છે અને કરતો રહેશે.
આ પ્રસંગ્રે સીઆર પાટીલે જણાવ્યું હતું કે, તેમની આગેવાનીમાં ગુજરાત સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાર્થક કરશે. રાજ્યપાલને ભાજપના નિર્ણય અંગે જાણ કરવામાં આવશે. તેમજ આવતીકાલે માત્ર ભુપેન્દ્ર પટેલ જ શપથ ગ્રહણ કરશે. જ્યારે મંત્રી મંડળમાં કોનો સમાવેશ કરવો તેમાં પાર્ટીનો કોઈ મહત્વનો રોલ નથી.