Site icon Revoi.in

સંસદના વિશેષ સત્રનો એજન્ડા સ્પષ્ટ નહીં,કેન્દ્રએ એક દિવસ પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી

Social Share

દિલ્હી :કેન્દ્રએ સંસદના વિશેષ સત્રના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ સર્વપક્ષીય બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે સરકારે હજુ સુધી સંસદના વિશેષ સત્રનો એજન્ડા સ્પષ્ટ કર્યો નથી. સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.

સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, “આ મહિનાની 18 સપ્ટેમ્બરથી શરૂ થનાર સંસદના સત્ર પહેલા 17 સપ્ટેમ્બરે સાંજે સાડા ચાર વાગ્યે તમામ દળોના સદન નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું,આ સંબંધમાં સંબંધિત નેતાઓને ઈ-મેલ દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યા છે. પત્રો પણ મોકલવામાં આવશે.

સંસદના વિશેષ સત્રના એજન્ડાની માહિતી ન આપવા બદલ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે સત્ર શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ કદાચ ‘એક વ્યક્તિ’ સિવાય કોઈને એજન્ડાની માહિતી નથી. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ભૂતકાળમાં યોજાયેલી સંસદની કેટલીક વિશેષ બેઠકોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે વિશેષ બેઠકો પહેલા એજન્ડા વિશે માહિતી ઉપલબ્ધ હતી.

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ આક્ષેપ કર્યો હતો કે સંસદના આગામી વિશેષ સત્રનો એજન્ડા મુંબઈને રાજ્યથી અલગ કરીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાનો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવેલા વિશેષ સત્રનો એજન્ડા હજુ જાહેર કર્યો નથી. જેના કારણે સત્રને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.

સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી જૂની બિલ્ડિંગમાં શરૂ થવા જઈ રહ્યું છે. 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે સંસદની કાર્યવાહીને નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.