Site icon Revoi.in

ઉનાળાના આગમન સાથે દિવસ-રાતના તાપમાનમાં મોટા તફાવત, શનિવાર બાદ વાતાવરણ પલટાશે

Social Share

અમદાવાદઃ શિયાળાની વિદાય બાદ ઉનાળાનો પ્રથમ ગણાતા ફાગણ મહિનાના પ્રારંભ સાથે જ તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચી ગયો હતો. હાલ પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને માર્ચ મહિનાના મધ્યમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી જશે. હાલ માર્ચના પ્રારંભે અમદાવાદ સહિત 16 શહેરમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર થઈ ગયો હતો. દરમિયાન 4થી માર્ચને શનિવાર બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં 4થી 8મી માર્ચ દરમિયાન માવઠાની શક્યતા છે. માવઠાને લીધે હવામાં ભેજનું પ્રમાણ વધતા ગરમી સાથે બફારો યાને ઉકળાટ અનુભવાશે.

રાજના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસો દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધ-ઘટ થવાની શક્યતા છે.  અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી વધીને 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી વધી 17 ડિગ્રીએ પહોંચ્યું હતું. આમ રાત અને દિવસના તાપમાનમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. માત્ર અમદાવાદ જ નહીં ઘણા શહેરોમાં રાત અને દિવસના તાપમાનમાં 15થી 20 ટકા જેટલો તફાવત જોવા મળ્યો હતો. આગામી તા. 4 માર્ચને શનિવાર બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.  ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં 4થી 8મી માર્ચ દરમિયાન માવઠાની શક્યતા છે. માર્ચ મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થઈ શકે છે.

હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ  દેશમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદ થઈ શકે છે.  દેશમાં ઉત્તરીય પર્વતીય ભાગો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, યૂપી સહિતના રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.  જ્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં 4 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાંક વિસ્તારોમાં 8મી  માર્ચ સુધી કમોસમી વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ખાસ કરીને ઉત્તર-મધ્ય ગુજરાત, વડોદરા, આણંદ, પૂર્વ ગુજરાત, પંચમહાલ , ઉત્તર ગુજરાતના મહેસાણા, સમી, હારિજ, કડી, બેચરાજી,  વિસનગર, સિદ્ધપુર, વડનગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં માવઠું પડશે. આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે.  તા. 14 માર્ચથી 19મી સુધી અને એ પછી પણ હવામાનમાં પલટો આવી શકે છે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતાઓ છે. તા. 20, 21 માર્ચ દરમિયાન ગરમી વધશે. જ્યારે તા. 24, 26 દરમિયાન સાગરમાં હલચલ આવી શકે છે. કેટલાંક ભાગોમાં આંધી પવન સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત માર્ચ મહિના દરમિયાન ગરમી વધતા તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.