અમદાવાદ: રાજ્યમાં શિયાળો વિદાય લઈ રહ્યો છે, અને ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. હાલ વહેલી પરોઢે ઠંડી અને બપોરે ગરમી તેમ બે ઋતુ અનુભવાઈ રહી છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધૂમ્મસ છવાયું હતું. પણ બપોરે તાપમાન 32 ડિગ્રીને વટાવી ગયું હતું. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તો તાપમાન 33 ડિગ્રીને વટાવી ગયું હતું. દરમિયાન હવામાન વિભાગના કહેવા મુજબ આગામી સપ્તાહમાં તાપમાનમાં વધારો થશે.
રાજ્યમાં ધીરે ધીરે શિયાળાનું પ્રભુત્વ ઓછું થઇ રહ્યું છે અને ગરમી વધી રહી છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમીથી ડબલ સિઝનનો અનુભવ થઇ રહ્યો છે. હજુ આગામી બે દિવસ ડબલ સિઝન યથાવત્ રહેવાની શક્યતા છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહિ મળે. આ સાથે અઠવાડિયામાં રાજ્યમાં ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે. જેના લીધે લોકોને ફેબ્રુઆરી માસમાં જ ગરમીનો અનુભવ જોવા મળશે. આ ઉપરાંત રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં પણ વધારો થશે જેના લીધે ઠંડીની અસર ઓછી થઇ શકે છે.
રાજ્યમાં 35.5 ડિગ્રી સાથે કંડલામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ગત રાત્રિએ 13.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી બે દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધી શકે છે.
હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ ગુજરાતમાં 1લી માર્ચથી 31 માર્ચ વચ્ચે હવામાનમાં ઘણા પલટા આવશે. ફેબ્રુઆરી 24થી 26 દરમિયાન મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ભારતનું હવામાન બદલાઈ શકે છે. વરસાદ પણ પડી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆત સુધીમાં પુનઃ દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, ભૂસ્ખલનની શક્યતાઓ રહેશે. માર્ચ માસમાં ગુજરાતના હવામાન પર તેની અસર રહેશે. જોકે માર્ચ મહિનામાં કાળઝાળ ગરમીના એંધાણ છે. હાલ તાપમાનનો પારો 33 ડિગ્રી નોંધાતા બપોરના ટાણે એસી અને પંખા ચાલુ કરવાની ફરજ પડી રહી છે.( file photo)