અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાનું આગમન થતાં જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને વટાવી ગયો હતો. રાજ્યમાં સૂર્યનારાયણના દર્શન થતાની સાથે લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો ઊંચે ચડી જાય છે અને તેના કારણે આખો દિવસ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટ અને અમરેલીમાં 36 ડિગ્રી નોંધાયુ હતુ. બીજી બાજુ સમગ્ર રાજ્યના આઠ શહેર એવા છે કે જ્યા મહત્તમ તાપમાનનો પારો 35 થી 36 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો હતો.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરમાં 35.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતુ. અમદાવાદ, વડોદરા, સુરત, ડીસા અને વલ્લભવિદ્યાનગરમાં 35 ડીગ્રીથી વધુ તાપમાન રહ્યું હતુ. રાજકોટ, સુરત, વેરાવળ જેવા શહેરોમાં આજે પણ સવારે ઝાકળ જોવા મળી હતી રાજકોટમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા સુરતમાં 90 ટકા અને વેરાવળમાં 86 ટકા નોંધાયું હતું.
ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન 32થી 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 17થી 20 ડિગ્રી આસપાસ નોંધાયું હતું રાજ્યમાં લોકો હવે બપોરે ઉનાળાની ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જો કે હજી મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. આગામી 15 દિવસ સુધી રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ રહેવાની શક્યતા છે. જોકે શિવરાત્રી બાદ ગરમીમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા છે. અને માર્ચ મહિનામાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જાય તેવી પણ શક્યતા છે. તાપમાનમાં વધારો થતાં લોકોને પંખા અને એસી ચાલુ કરવાની ફરજ પડી રહી છે.