રાજકોટઃ કોરોનાને લીધે તેમજ તાજેતરમાં સૌરાષ્ટ્ર પર ત્રાટકેલા ‘તાઉતે’ વાવાઝોડાના કારણે એસ.ટી. બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજકોટ એસ.ટી. ડેપોમાં પહેલા 180 રૂટ શરૂ હતા હવે વધારીને 250 રૂટની બસ શરૂ કરવામાં આવ્યા છે. વાવાઝોડાને કારણે જે રૂટ્સ બંધ કરાયા હતા તે પણ હવે રસ્તા કલીયર થઇ ગયા બાદ શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ કફર્યુનો સમય રાત્રે 8ને બદલે 9 થતાં લાંબા રૂટની બસોમાં મુસાફરી કરતા લોકોમાં પણ હવે વધારો જોવા મળશે. હાલ મુસાફરોની સંખ્યામાં પણ વધારો થતા વધુ બસ દોડાવવામાં આવી રહી છે.
રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે મુસાફરો ઘટતા જાહેર પરિવહન સેવા ઠપ થઈ ગઈ હતી. તેના લીધે ઘણાબધા રૂટ્સ બંધ કરવામાં આવ્યા હતા. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી સરકારે પણ નિયંત્રણો હળવા કર્યા છે. ત્યારે હવે ફરીવાર એસટી બસ સ્ટેશનમાં મુસાફરો જોવા મળી રહ્યા છે. એટલે એસટી બસ વ્યવહાર પણ રાબેતા મુજબ બની ગયો છે.
બસમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે એક રૂટ પર વધુ બસો દોડાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ એસ.ટી. બસ સ્ટેન્ડે સેનેટાઇઝેશન, માસ્ક સહિતની તકેદારી રાખવામાં આવે છે.ઉપરાંત કફર્યુમાં સમય વધારો થતા ટ્રાફિક વધવાની શકયતા પણ વર્તાઇ રહી છે. પરંતુ અગાઉ એક બસમાં લોકોનો ધસારો ઘટાડવા માટે રૂટમાં વધારો કરવામાં આવ્યો છે. કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળતા ટ્રાફિકનું પ્રમાણ પણ વધ્યું છે. તેથી એસ.ટી. બસનાં રૂટ વધારવાથી મુસાફરોને પણ વધુ સગવડતા મળી રહેશે. ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોની વ્યવસ્થા અને માંગણીઓના પરિણામે વિસ્તારો પરની બસના રૂટમાં વધારો કરવામાં આવ્યો છે.