અમદાવાદઃ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે ફ્રુટ બજારમાં દ્રાક્ષ અને તરબુચ સહિત જુદા જુદા ફળોનું આગમન થઈ ગયું છે. છેલ્લા 10 દિવસથી દ્રાક્ષની આવક ચાલુ થઈ ગઈ છે. હોલસેલમાં દ્રાક્ષ કિલોના રૂા.40થી 60ના ભાવે વહેચાણ થઈ રહ્યું છે. આગામી સમયમાં ઉનાળાની સીઝન શરૂ થશે અને જેમ જેમ ગરમી વધુ પડશે તેમ સારી કવોલીટીનો માલ આવવા લાગશે. હાલ દ્રાક્ષ મહારાષ્ટ્રના સાંગલી અને નાસીકથી આવી રહી છે. તેમજ સંતરાની આવક પણ ચાલુ થઈ ગઈ છે. ગરમીમાં સૌથી વધુ તરબુચ ખવાતા હોય છે. હવે તો તરબૂચની આવક બારમાસી જેવી થઈ ગઈ છે. પરંતુ ઉનાળામાં સારી કવોલીટીનો માલ આવે છે. હાલ તરબૂચનો ભાવ રૂા.9થી 10 બોલાય રહ્યો છે. આ ઉપરાંત બોર જામફળ, સફરજનની ચીકકાર આવક થઈ રહી છે. સફરજન અત્યારે સ્ટોરેજ વાળા આવી રહ્યા છે.
ફ્રુટના હોલસેલના વેપારીઓના જણાવ્યા મુજબ ફળોમાં રાજા ગણાતી કેરીનું આગમન આવતા મહિનાથી થઈ જશે. કેરીની સાચી સીઝન એપ્રિલથી શરૂ થાય છે. પરંતુ આ વખતે સારા ઉત્પાદનની આશા છે. આથી કેરીની આવક વહેલી થવાની શકયતા છે. આવતા મહિનેથી હાફૂસ, રત્નાગીરી કેરીની આવક શરૂ થઈ જશે. આ વખતે આવકમાં વધારો થાય તેવી શકયતા છે. કેસ કેરીના આંબાઓ પર મોર સારો બેઠો હોવાથી વાતાવરણ સાનુકૂળ રહેશે તો કેસર કેરીનો પાક સારો થવાની આશા છે.
માર્કેટ યાર્ડમાં નવા બટેટાની આવક શરૂ થઈ ચુકી છે. આ બટેટાની આવક થતી હોવાથી ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલ ડુંગળી કરતા બટેટા સસ્તા થવા લાગ્યા છે. બટેટા અને ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ગૃહિણીઓ નવા બટેટા કરતા જુના બટેટા લેવાનું વધુ પસંદ કરે છે. જેના કારણે નવા બટેટામાં માટીનું પ્રમાણ વધુ હોય છે. જેનો વપરાશ કરવામાં પણ સમસ્યા સર્જાય છે. વેપારીઓને પણ નુકશાની વધુ થાય છે. ઉનાળામાં તરબૂચની ચીકકાર આવક શરૂ થાય છે. હવે તરબૂચની બારમાસી આવક થાય છે. પરંતુ સારી કવોલીટીના તરબૂચ ઉનાળામાં આવે છે. આગામી 18 ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રી છે. માર્કેટ યાર્ડમાં શિવરાત્રીથી તરબૂચની હરરાજી શરૂ થશે. ત્યારબાદ સારી કવોલીટીના તરબૂચ બજારમાં જોવા મળશે. હાલ રૂા.9થી 10ના ભાવે તરબૂચ મળી રહ્યા છે.