અમદાવાદઃ ગુજરાતમાં મૂડીરોકાણ માટે દર વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમીટનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ એકમો સ્થાપવા માટે સરકાર સાથે એમઓયુ કરવામાં આવે છે. 2019માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં કુલ 20,90,339 સૂચિત રોજગારી ઊભી થવાનો અંદાજ હતો. તે પૈકી 31મી ડિસેમ્બર 2020 સુધીમાં 11596 પ્રોજેક્ટસમાં 1,83,487 રોજગારી ઊભી થઇ છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન પૂછ્યો હતો કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં સમીટવાર કુલ કેટલી રોજગારી ઊભી થવાનો અંદાજ હતો, તેની સામે કેટલી રોજગારી ઊભી થઇ. જેના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 2019માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં કુલ 20,90,339 સૂચિત રોજગારી ઊભી થવાનો અંદાજ હતો. તે પૈકી 31મી ડિસેમ્બર 2020 સુધીમાં ઉત્પાદનમાં ગયેલા 11596 પ્રોજેક્ટસમાં 1,83,487 રોજગારી ઊભી થઇ છે. ઇન્વેસ્ટર દ્વારા રજૂ થતી માહિતીના આધારે રોજગારીની વિગતો નોડલ અધિકારી દ્વારા અપડેટ કરવામાં આવે છે.
આ ઉપરાંત ગાંધીનગરના મહાત્મા મંદિર અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગત બે વર્ષમાં 75 ઇવેન્ટ થઈ હતી. જે પેટે રૂ.2,04,54,778ની રકમ વસૂલ કરવાની બાકી છે. તેમાંથી 2,02,90,999ની રકમ સરકાર પાસેથી તથા 1,63,779ની રકમ ખાનગી એજન્સી પાસેથી બાકી છે.