સુરતઃ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં અસામાન્ય વધારો થતાં ઈ-વાહનોના વેચાણમાં વધારો થયો હતો. જેમાં સૌથી વધુ ઇ-વાહનોનું વેચાણ સુરતમાં નોંધાયું છે. વર્ષ 2021-22માં 9 હજાર વાહનોનું વેચાણ નોંધાયું છે. આ સાથે સુરત શહેરમાં રાજ્યમાં ઇ-વાહનોની ખરીદી માટેનું હબ બન્યું છે. વાહનોનું વેચાણ વધ્યું છે પરંતુ ચાર્જીંગ સ્ટેશનના અભાવે હજુય લોકો ઇ-વાહનની ખરીદી કરતા મુંઝવણ અનુભવી રહ્યા છે. ત્યારે સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં 50 જગ્યાએ ચાર્જીંગ સ્ટેશન શરૂ કરવા માટેનો નિર્ણય લેવાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં 9 હજાર ઇ-વાહનો પાછળ સરકારે વાહન માલિકોને રૂા. 12.94 કરોડની સબસીડી ચૂકવી છે. વાહન ચાલકોની ફરિયાદ છે કે, શહેરમાં ફાસ્ટ ચાર્જીંગ સ્ટેશન ન હોવાથી અનેક સમસ્યાઓ ઊભી થાય છે. સુરત મ્યુનિ.કોર્પોરેશને જુદી-જુદી જગ્યાએ 50 ચાર્જીંગ સ્ટેશન શરૂ કરવા નિર્ણય લીધો છે. શહેરમાં પ્રથમ તબક્કામાં 25 ઈ- વ્હીકલ ચાર્જીંગ સ્ટેશન બનાવવા માટેના મ્યુનિની સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે. બીજા 25 સ્ટેશન 31મી મે સુધીમાં નિર્ણય કરાશે. સ્થાયી સમિતિએ રૂા. 13.59 કરોડના ખર્ચે 25 ચાર્જીંગ સ્થાપિત કરવા તથા પાંચ વર્ષ માટે તેની જાળવણી કરવાનું કામ મંજૂર કર્યું છે. આ સાથે જ સુરત મ્યુનિ.કોર્પોરેશન ચાર્જીંગ સ્ટેશન બનાવવા મામલે દેશની પ્રથમ મ્યુનિ. બની છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કટ વિસ્તાર, ગોપી તળાવ, મ્યુનિ.કોર્પોરેશનની મુખ્ય કચેરી, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, સરદા સ્મૃતિ ભવન, સરથાણા નેચર પાર્ક, કતારગામ ડી-માર્ટ પાસે, રીંગ રોડ મલ્ટીલેવલ પાર્કીંગ, ઘોડદોડ રોડ, એલ. પી. સવાણી રોડ, સેન્ટ્રલ મોલ, રાહુલ રાજ મોલ, મગદલ્લા રોડ પર ચાર્જીંગ સ્ટેશન શરૂ કરાશે. વાહન ચાર્જીંગ કરવાનો દર આગામી દિવસોમાં નક્કી કરાશે.