- રાજકોટમાં ઉનાળાની શરૂઆત થતા રોગચાળામાં થયો ઉછાળો
- છેલ્લા 7 દિવસમાં ઝાડા-ઉલ્ટીના 102 કેસ
- શરદી-ઉધરસના 297 કેસ
રાજકોટ: રાજકોટ શહેરમાં એક તરફ થી કોરોનાના નવા કેસ નથી નોંધાઇ રહ્યા. પરંતુ હવે ઉનાળો શરૂ થતાની સાથે જ તાવ, ઝાડા, ઉલ્ટી સહિતના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો, શરદી-ઉધરસના 297 દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ 138 અને ઝાડા–ઉલટીના 102 દાખલ થયા છે. આ ઉપરાંત ડેંગ્યુના 7, મેલેરીયાનો 2 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા રહેણાંક તેમજ કોમર્શિયલ મિલ્કતમાં તપાસ કરી મચ્છર ઉત્પતિ અંગે 443 આસામીને નોટિસ આપવામાં આવી છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં આરોગ્ય વિભાગના અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં તાપમાનનો પારો અત્યાર થી 40 ડિગ્રીને આંબી ચૂક્યો છે.
આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ ઉતરોતર વધવાનો છે. વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓ બિન જરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળે તે જરૂરી છે. તેમજ ગરમીનું પ્રમાણ વધવાથી ડી – હાઇડ્રેશનનું પ્રમાણ પણ વધે છે. ત્યારે લોકોએ ડી – હાઇડ્રેશનથી બચવા મોટા પ્રમાણમાં પાણી, છાશ તેમજ લીંબુ સરબત પીવા નું રાખવુ જોઈએ. તેમજ કોલ્ડ્રિંકસ, ગોલા સહિતના ઠંડા પીણા નું સેવન કરવાનું ટાળવું જોઈએ. તેમજ બને ત્યાં સુધી સુતરાઉ કપડાં જ પહેરવા જોઈએ.