અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ અનેક જગ્યાએ પીવાની પાણીની સમસ્યા ઉભી થઈ છે. ભાવનગર જિલ્લામાં આવેલા મોટાભાગના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. ભાવનગરમાં આવેલા 13 ડેમ પૈકી 6 ડેમ ખાલી થઈ ગયાં છે. જેથી ભાવનગરની જનતા માટે ઉનાળો વધારે આકરો રહેવાની શકયતા છે. બીજી તરફ સિંચાઈ માટે પાણી નહીં મળવાનો ભય ખેડૂતોમાં સતાવી રહ્યો છે. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજ્ય ડેમમાં પાણીનો 50 ટકા જથ્થો બાકી રહ્યો છે. આ શેત્રુંજ્ય જળસિંચાઈ યોજના ભાવનગર જિલ્લાની આધારભૂત યોજના છે. ભાવનગરના જળાશયોમાં સૌની યોજના સાથે જોડવાની ખેડૂતોમાં માગ ઉઠી છે.
ભાવનગરમાં ચોમાસામાં 6 જેટલા ડેમ સંપૂર્ણપણે ભરાયા ન હતા, જેથી આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ આ ડેમ ખાલી થઈ ગયા છે. અન્ય ડેમમાં પાણીનો સીમિત જથ્થો જ બાકી રહ્યો છે, જે થોડા દિવસ સુધી જ ચાલી શકે તેમ છે. દરમિયાન 12 જેટલા ડેમમાં પાણીનો 30 ટકા જથ્થો ઉપલબ્ધ છે, આ કારણોસર ખેડૂતોમાં ઉનાળુ પાકની વાવણી માટે ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ નાગરિકોમાં પાણી બાબતે ચિંતા ઊભી થઈ છે. પીંગળી ડેમ, હણોલ ડેમ, જસપરા માંડવા ડેમ, લાખણકા ડેમ અને હમીરપર ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. અન્ય ડેમમાં પણ ગતણરીના દિવસો ચાલે એટલું જ પાણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેથી સિંચાઈ માટે પાણી મળવાને લઈને ખેડૂતો પણ ચિંતિત બન્યાં છે. ખેડૂતોએ સરકાર પાસે જે ડેમ સૌની યોજના સાથે જોડાયેલ તે ડેમને સૌની યોજના સાથે જોડવા માટે માંગ કરી છે. સિંચાઈ યોજના સાથે જોડાયેલા અધિકારીઓ જણાવી રહ્યા છે કે, જે ડેમ સૌની યોજના સાથે જોડાયેલ નથી તે ડેમને સૌની યોજના સાથે જોડવા માટેનું કામ ચાલું છે.