Site icon Revoi.in

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ સાથે કાળઝાળ ગરમી, આઠ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. આકરી ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છમાં જ્યારે બુધવારે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગરમીમાં હજુ વધારો થશે. ગુરુવારથી ગરમીના પ્રમાણમાં સાધારણ ઘટાડો અનુભવાશે. દરમિયાન રાજકોટમાં 42.4, અમરેલીમાં 42.2, જૂનાગઢમાં 42.2, ભૂજમાં 41.6, અમદાવાદમાં 41.3, ગાંધીનગરમાં 41, ડીસામાં 40.5, વડોદરામાં 40.2, કંડલામાં 38.8, ભાવનગરમાં 37.5 અને સુરતમાં 34.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં બપોરના સમયે કાળઝાળ ગરમી પડતી હોવાથી લોકોએ બપોરના સમયે કામ વગર ઘર અને ઓફિસની બહાર નીકળવાનું ટાળ્યું હતું. તેમજ લોકો ગરમીથી બચવા માટે એસી અને પંખાનો સહારો લઈ રહ્યાં છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ અમદાવાદમાં આગામી પાંચ દિવસ તાપમાન 41 ડિગ્રીથી નીચે જવાની સંભાવના નહિવત્ છે. અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં માર્ચમાં સૌથી વધુ ગરમી વર્ષ 2017માં નોંધાઇ હતી. એ વખતે 28 માર્ચે તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળાના આરંભ સાથે જ જોરદાર ગરમી પડી રહી છે. બીજી તરફ કેટલાક જળાશયોમાં પાણી સતત ઘટી રહ્યું હોવાથી આગામી દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા છે. પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.