સુરતઃ શિયાળો એટલે અવનવી વાનગીઓ આરોગવાની પણ સીઝન પણ જામતી હોય છે.આમ તો શિયાળાએ હજુ જમાવટ કરી નથી. પરંતુ બજારમાં શાકભાજીની આવકની શરૂઆત થઇ ચૂકી છે. ચાલુ સપ્તાહથી શાકભાજીના ભાવમાં પણ થોડી રાહત મળતા લોકોએ મોટા જથ્થામાં લીલા-તાજા શાકભાજીઓ ખરીદીને મનપસંદ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી છે. શહેર નજીક હાઇવે પર અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી રેસ્ટોરાંમાં પણ શિયાળામાં બનતા સુરતી ભોજનની વાનગીઓની સોડમ પ્રસરવી રહી છે. સુરતી ઉંધિયું જે પ્રકારો દેશ અને વિદેશીઓમાં પ્રસિદ્ધિ પામ્યું છે તે જ પ્રકારે ઉબાડિયુંની માગ પણ રહેતી હોય છે. બહારગામથી કોઈપણ સુરતની મુલાકાતે આવે ત્યારે ઉંબાડિયુ ખાવાનું ભુલતા નથી.
સુરતનું ઉંબાડિયું જગપ્રસિદ્ધ છે.ઉબાડિયાને માટલાની અંદર બનાવવામાં આવે છે. જેમાં રીંગણ, પાપડી, રતાળુ, શક્કરિયા, બટાકા, મસાલા ભરેલા કેળા નાખવામા આવે છે. ઉબાડિયાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં લીલા અને સૂકા લસણ બન્નેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. કોથમીર, આદું, મરચાંનો લીલો મસાલો સાથે હળદર, મરચા અને મરી-મસાલા સાથેના 12થી વધુ મસાલાનો ઉપયોગ થાય છે. એક સમયે ઉબાડિયું નવસારી-સુરત વચ્ચે લોકોમાં ખાસ્સું લોકપ્રિય હતું. પરંતુ આજે ઉમરગામથી શરૂ કરીને સુરત સુધી ઉબાડિયાને લોકો ભારે પસંદ કરી રહ્યા છે. ઉબાડિયું બનાવવા માટે લીલાં મસાલાની પેસ્ટમાં બધા શાકભાજી ભેળવવામાં આવે છે. એક માટલામાં કલાર નામની વનસ્પતિના પાન મૂકવામાં આવે છે અને તેના પર મસાલાવાળા શાકભાજીને ઉમેરવામાં આવે છે. ત્યાર ફરી વનસ્પતિના પાનથી માટલાને ઢાંકીને માટલાને ઊંધુ કરીને આગમાં પકવવામાં આવે છે.
સુરતમાં ઉંબાડિયું બનાવવાના સ્ટોલ ઠેર ઠેર જાવા મળી રહ્યા છે. ઉબાડિયાને બનવા માટે દોઢથી પોણા બે કલાક જેટલો સમય લાગે છે. પ્રતિ કિલોનો ભાવ રૂા. 300 જેટલો છે. આ વર્ષે હજુ શિયાળો નવેમ્બર અડધો વિત્યો છતાં જામ્યો ન હોવાથી ઉબાડિયાની મજા થોડી બગડી છે છતાં લોકો તેને આરોગવા માટે હાઇવેની રેસ્ટોરાંમાં જતા થતા થયા છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી માત્ર ચાર માસ સુધી લોકો ઉબાડિયું આરોગવા માટે આવતા હોય છે.