- દેશના 25 એરપોર્ટનું થશે ખાનગીકરણ
- ચાર તબક્કામાં કરાશે કામગીરી
- ડોમેસ્ટિક-ઇન્ટરનૅશનલ કનેક્ટીવીટીના નવા વિકલ્પો ખૂલશે
અમદાવાદઃ દેશના વિવિધ એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની કવાયત કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ગુજરાતના સુરત સહિત બે એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી આ એરપોર્ટ ઉપર પ્રવાસીઓને વધારે સુવિધાઓ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે. કેન્દ્ર સરકાર આગામી વર્ષોમાં દેશના લગભગ 25 એરપોર્ટનું ખાનગીકરણ કરવા તરફ આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025 સુધીના સમયગાળા દરમિયાન 25 એરપોર્ટને ખાનગી કંપનીઓને સંભાળવા માટે આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના વડોદરા અને સુરત એરપોર્ટને ખાનગી કંપનીને સોંપવામાં આવે તેવી શકયતા છે. સુરત એરપોર્ટને 2023 અને વડોદરા એરપોર્ટને 2024માં ખાનગી કંપનીને સોંપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. એરપોર્ટના ખાનગીકરણને કારણે મુસાફરોની સુવિધાઓમાં પણ નોંધપાત્ર વધારો થશે. આ ઉપરાંત ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનૅશનલ કનેક્ટીવીટીના નવા વિકલ્પો ખૂલવાની સંભાવના છે. દેશભરના 25 એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે. જેને ચાર તબક્કામાં ખાનગી કંપનીઓને સોમવામાં આવશે.
પહેલા ફેઝમાં વારાણસી સહીત છ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવશે. બીજા ફેઝમાં સુરત સહીત આઠ, ત્રીજા ફેઝમાં વડોદરા સહીત છ અને અંતિમ ફેઝમાં રાજસ્થાનના ઉદયપુર સહીત પાંચ એરપોર્ટનું ખાનગીકરણ કરવાનું પ્લાનિંગ કરાયું છે. કેન્દ્રના આ નિર્ણયથી હવાઈ મુસાફરી કરતા મુસાફરોને સુવિધાઓ વધવાની આશા છે.
(Photo-File)