Site icon Revoi.in

ઠંડીના ધીમા પગલે આગમનની સાથે રાજકોટના યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક

Social Share

રાજકોટઃ શિયાળા દરમિયાન લીલા શાકભાજીની ધૂમ આવક થતી હોય છે. ત્યારે રાજકોટના માર્કેટ યાર્ડમાં આજુબાજુના ગામડાંઓમાંથી લીલા સાકભાજીની આવક વધતા ભાવમાં પણ ઘટાડો થયો છે. જથ્થાબંધ જ નહીં પણ છૂટક બજારોમાં પણ શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં અસહ્ય મોંઘવારીનો સમનો કરી રહેલા લોકોને થોડી રાહત થઈ છે.

માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના માર્કેટ યાર્ડમાં  ગુરૂવારે  કુલ 11, 67, 200 કિલો શાકભાજીની આવક થઇ હતી જેની સામે ભાવ છેલ્લા ચાર માસની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. વહેલી સવારે પાંચ વાગ્યાથી ખેડૂતો ઉમટી પડતા આસિ.સેક્રેટરી બી.એચ. સોરઠીયાએ સ્ટાફ મારફતે વાહનોની લાઇન કરાવી હરરાજી શરૂ કરાવી હતી.

યાર્ડના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  ગુરૂવારે વહેલી સવારે શાકભાજીમાં નવી સિઝનની સર્વિધિક આવક થઇ હતી, શાકભાજી ભરેલા અંદાજે 1000 જેટલા વાહનો આવ્યા હતા. આવક વધવાની સાથે જ ભાવ ઝડપભેર ગગડયા હતા. હજુ જેમ ઠંડી પડશે તેમ આવક વધશે અને ભાવ ઘટશે. યાર્ડમાં આજે ટોપ ક્વોલિટીના શાકભાજીનો મહત્તમ ભાવ પ્રતિ કિલોના રૂ.25 સુધી રહ્યો હતો. ચાર મહિના પૂર્વે શાકભાજીની અન્ય રાજ્યો તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી આયાત કરવી પડતી હતી. જ્યારે હાલ સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાંથી એટલી આવક થઇ રહી છે કે રાજકોટ શહેરની 20 લાખની વસતીની જરૂરિયાત પૂર્ણ થયા પછી પણ જથ્થો વધતો હોય હવે અન્ય જિલ્લાઓમાં નિકાસ કરાઇ રહી છે. યાર્ડના કર્મચારી રાજુભાઇ ગજેરાએ કહ્યું હતું કે  ગુરૂવારે શાકભાજીમાં 34 જણસીની આવક થઇ હતી. સરગવો, આદુ, વટાણા અને લીલું લસણ સિવાયના તમામ શાકભાજીનો પ્રતિ 20 કિલોનો મહત્તમ ભાવ રૂ.500 કે તેનાથી નીચે રહ્યો હતો.