સુરતઃ શહેરમાં પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત ડાયમન્ડ બુર્સ નજીક પૂરફાટ ઝડપે આવેલી કાર ડમ્પરની પાછળના ભાગે અથડાતા કારસવાર એક બાળકી સહિત ચાર જણાને ગંભીર ઇજા થઇ હતી. જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. ચીખલીથી રાંદેર જતાં પરિવારને અકસ્માત નડ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં ડાયમંડ બુર્સ નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ચીખલીથી રાંદેર આવતા સમયે ખજોદમાં ડાયમંડ બુર્સ પાસે કાર ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. કારમાં સવાર એક 8 માસની દીકરી, પત્ની અને પતિ અને તેના મિત્રને ગંભીર ઇજા થઇ હતી. તમામ ઇજાગ્રસ્તને લોકોની મદદથી કારમાંથી બહાર કાઢી 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પત્ની ભાવિકા સેવલાનીને મૃત જાહેર કરાઈ હતી. ઇજાગ્રસ્ત અમિત સેવકની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આ દંપતીના લગ્નને 2 વર્ષ જ થયા છે. એક 8 મહિનાની દીકરી દર્શના છે. અમિત ઓલા કાર કંપનીમાં ડ્રાઇવર છે. પરિવાર અને મિત્ર ઇન્દ્રજીત ગુલાબદાસ ટેલર સાથે એની જ કારમાં ચીખલી ગયા હતા. જયાંથી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો.
સુરત શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. પુર ઝડપે વાહનો ચલાવવાને લીધે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતોના બનાવો બને છે. અમદાવાદના તથ્ય પટેલના અકસ્માત બાદ રાજ્યભરમાં પોલીસે ડ્રાઈવ શરૂ કરીને બેફામ હંકારાતા વાગનચાલકો સામે લાલઆંખ કરી છે. છતાંપણ અકસ્માતના બનાવોમાં કોઈ ઘટાડો થયો નથી, રાજકોટમાં પણ છેલ્લા ત્રમ દિવસમાં ચાર અકસ્માતના બનાવો બન્યા હતા.