સુરતઃ ગુજરાતમાં પોલીસ વિભાગમાં લાંચ માગવાના કેસ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં મહિલા પીએસઆઈ અને તેનો પૂત્રને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લઈને બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈએ વેપારીને ત્યાં કાર કરતા ટેકનિશિયન પાસે તેની અકટાયત ન કરવા માટે લાંચ માગવામાં આવી હતી.
એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત શહેરના લાલગેટ પોલીસ મથકની લાલગેટ પોલીસચોકીનાં મહિલા પીએસઆઈ અને તેમના પુત્રને એસીબીએ રૂપિયા 8000ની લાંચ સ્વીકારતાં તેમની ઓફિસમાં જ ઝડપી લીધાં હતાં. વેપારીને ત્યાં કામ કરતા ટેક્નિશિયન વિરુદ્ધ લાલગેટચોકીમાં થયેલી અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવાના બદલામાં મહિલા પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારગીએ 10,000ની લાંચ માગી હતી ત્યારબાદ રકઝકને અંતે 8,000 લેવા તૈયાર થયાં હતાં. ટેક્નિશિયને આ અંગે વેપારીને વાત કરતાં તેમણે સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદને એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એસીબીના પીઆઈ એસ.ડી. ધોબી અને સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. એ મુજબ મોડી સાંજે લાલગેટચોકીમાં જ મહિલા પીએસઆઈ મંજુલાબેન પારગીએ વેપારી સાથે લાંચ અંગે વાત કરી ત્યાં હાજર પોતાના પુત્ર અશ્વિનને લાંચની રકમ 8,000 આપવા કહ્યું હતું. અશ્વિને લાંચની રકમ સ્વીકારી એ સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને મહિલા પીએસઆઈ અને તેમના પુત્રને રંગેહાથ ઝડપી લીધાં હતાં. વર્ષ 2017માં પીએસઆઈ બનેલાં મંજુલાબેન પારગીનો પગાર 70 હજાર છે. સુરત એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.