સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ શહેરમાં ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાતી હોવાની જુદા જુદા વિસ્તારોમાંથી વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેમાં વોર્ડ નં.5ના રહીશોએ આ સમસ્યાથી કંટાળી નગરપાલિકા કચેરીમાં હોબાળો મચાવી તોડફોડ કરી હતી. તેના પગલે પોલીસ બોલાવવી પડી હતી. અગાઉ પણ નાગરિકોએ ગટર ઉભરાતી હોવાની ફરિયાદો કરી હતી, પણ એનો કોઈ નિકાલ ન આવતા નગરપાલિકાના સત્તાધિશો સામે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ થાનગઢ શહેરના વોર્ડ નં.2માં બે દિવસ પહેલા ભુગર્ભ ગટર મામલે થાનગઢ નગરપાલિકાનાં સેનીટેશન વિભાગનાં ચેરમેન અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના બન્યા બાદ થાનગઢ શહેરનાં વોર્ડ નં.5ના રહિશો દ્વારા ભુગર્ભ ગટર ઉભરાવા બાબતે નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો. ભૂગર્ભ ગટર ઉભરાઈને આખી શેરીમાં ગંદુ પાણી ફરી વળતું હોવાની ફરિયાદ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના રહીશો નગરપાલિકા કચેરીએ ધસી ગયા હતા. અવાર-નવાર રજૂઆતો કરવા છતાં ઉકેલ નહીં આવતો હોવાથી રોષે ભરાયેલા રહીશોએ નગરપાલીકામાં તોડફોડ પણ કરી હતી. આખરે પોલીસ બોલાવાતા મામલો માંડ થાળે પડયો હતો
સૂત્રોએ ઉમેર્યું હતું કે, થાનગઢ નગરપાલિકાનો વહીવટ દિવસેને દિવસે કથળતો જાય છે. જ્યારે પ્રજાનો વિશ્વાસનો હવે તૂટી રહ્યો છે. ત્યારે ફરી ત્રણ દિવસ બાદ નગરપાલિકામાં મહિલાઓ રણચંડી બની અને તોડફોડ કરી હતી. બે દિવસ પહેલા વોર્ડ નંબર બેના ચેરમેને પૂર્વ નગરપાલિકાના સભ્યોને ધમકાવવામાં આવ્યા હતા. ત્યારે ફરી વોર્ડ નંબર 5ના 50થી પણ વધારે મહિલાઓ નગરપાલિકાનો ધેરાવ કર્યો હતો. જેમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ભૂગર્ભ ગટર ખુલ્લેઆમ ઉભરાય છે. તેનું નિરાકરણ ન આવવાથી વોર્ડ નંબર 5ની મહીલાઓ રણચંડી બની હતી.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, થાનગઢ નગરપાલિકાએ રજૂઆત કરવા જતા મહિલાઓને નગરપાલિકાના પ્રમુખ સાથે તકરાર થઈ હતી. બાદમાં પ્રજાએ ઉગ્ર બનીને નગરપાલિકામાં તોડફોડ કરી હતી. જેમાં મામલો વધુ બીચકતા નગરપાલિકાના પ્રમુખ દ્વારા પોલીસને બોલાવી પડી હતી. જ્યારે થાનગઢ નગરપાલિકા પ્રમુખ લીલાબેન ડોડીયાએ જણાવ્યું કે, તમારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ, ત્યારે વાતાવરણ ઉગ્ર બન્યુ અને મહિલાઓએ નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ નારા લગાવીને તોડફોડ કરી હતી.