નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં થયેલા એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. હવે પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ છૂટાછેડા લઈ રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, મહિલાઓ હવે વધુ સશક્ત બની રહી છે. લગ્ન પછી મહિલાઓ હવે પોતાનું અપમાન સહન કરતી નથી. પાકિસ્તાનમાં મહિલાઓ છૂટાછેડા માટે અરજી કરી શકતી નથી, પરંતુ તેઓ પતિની સંમતિ વિના પણ શરિયા કાયદા હેઠળ લગ્નને રદ કરી શકે છે. આને ‘ખુલા’ કહેવાય છે. આમા ફેમિલી કોર્ટ દ્વારા મધ્યસ્થી કરવામાં આવે છે.
પાકિસ્તાનમાં માનવ અધિકાર પ્રોટેક્શન સેન્ટરના વકીલ અતિકા હસન રઝાએ કહ્યું હતું કે, હવે પાકિસ્તાનમાં ફેમિલી કોર્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે, જેમાં ફેમિલી લો ‘ખુલા’ જેવા કાયદાઓ પર વિચાર કરી શકાય છે. આ ઉપરાંત ફેમિલી લો ના જજોની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. રઝાએ કહ્યું કે મહિલાઓ હવે ખુલા હેઠળ છૂટાછેડા માંગી રહી છે.
પાકિસ્તાનમાં એક સર્વે દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે. છેલ્લા એક દાયકામાં પાકિસ્તાનમાં છૂટાછેડાના કેસોમાં 58% વધારો થયો છે. સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે, 5માંથી 2 મહિલાઓ માને છે કે છૂટાછેડાનું મુખ્ય કારણ સાસરિયાઓ તરફથી થતી હેરાનગતિ છે, સિવાય કે અન્ય કારણો જેમ કે પતિ દ્વારા કરાતું શોષણ અને માનસિક સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે. આ સર્વે ગેલપ અને ગિલાની દ્વારા વર્ષ 2019માં કરવામાં આવ્યો હતો.
જોકે, પાકિસ્તાનમાં છૂટાછેડા સંબંધિત બાબતો પર નજર રાખવા માટે કોઈ કાનૂની અને બંધારણીય એજન્સી નથી. છૂટાછેડાના નિયમો શરિયા અથવા ઇસ્લામિક કાયદા દ્વારા નક્કી કરવામાં આવે છે.