અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરના નિયંત્રમ માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટના નિર્દેશ બાદ નવી પોલીસી બનાવવામાં આવી છે, એમાં કડક નિયંત્રણો મુકાયા હોવાથી માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે માલધારી સમાજની મહિલાઓ દ્વારા વિરોધ કરાયો હતો. જેમાં ઇસનપુર, સરખેજ, પાલડી સહિતના વિસ્તારોમાં માલધારી સમાજની મહિલાઓએ થાળી અને ચમચી સાથે રોડ પર ઉતરી આવી હતી મ્યુનિના સત્તાધિશો વિરોધમાં નારા લગાવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ પોલીસી બનાવવામાં આવી છે. જેનો માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માલધારીઓની માગ એવી છે કે, પશુઓ રાખવા માટે લાયસન્સ મેળવવા માલિકીની જગ્યાનો દસ્તાવેજ હોવાનો નિયમ દુર કરીને માત્ર ટેક્સ બિલ અને લાઈટ બિલના આધારે લાઇસન્સ આપવામાં આવે. આ માંગ સાથે હવે માલધારી સમાજની મહિલાઓ પણ રોડ પર ઉતરી આવી છે. રવિવારે રાત્રે શહેરના ઇસનપુર, સરખેજ, પાલડી સહિતના વિસ્તારોમાં મહિલાઓ થાળી અને ચમચી સાથે રોડ પર ઉતરી આવી હતી અને રોડ બંધ કરાવી માલધારીઓને ગાય પાછી આપો’ તેવા નારા લગાવ્યા હતા.
અમદાવાદ શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસીના કડક અમલના પગલે હવે રોડ પરથી ગાયો તો દૂર થઈ ગઈ છે પરંતુ, પોલીસી મુજબ લાયસન્સ મેળવવા માટે દસ્તાવેજી જગ્યામાં જ પશુ રાખી શકાય છે. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ચેકિંગ હાથ ધરી અને જો દસ્તાવેજી જગ્યા વગર પશુ રાખવામાં આવતા હોય તો તેને પકડી લેવામાં આવે છે, જેને લઇ માલધારીઓ વિરોધમાં ઉતરી આવ્યા છે હવે માલધારી સમાજની મહિલાઓ દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. રવિવારે રાત્રે વિવિધ વિસ્તારોમાં માલધારી સમાજની મહિલા એકત્રિત થઈ હતી. મહિલાઓએ થાળી વગાડી અને વિરોધ કર્યો હતો.
માલધારી સમાજ દ્વારા છેલ્લા 10 દિવસથી આંદોલન ચાલી રહ્યુ છે. માલધારીઓ પાસે દસ્તાવેજવાળી જગ્યા ન હોય છતાં પણ ટેક્સ બિલ અને લાઈટ બિલના આધારે જગ્યા પર પશુ રાખવા દેવાનું લાયસન્સ આપે એવી માંગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી માલધારી આગેવાનો ઢોલ-ડબ્બાની બહાર ધારણા પર બેસી ગયા છે. માલધારી સમાજના કેટલાક આગેવાનો આગામી દિવસોમાં મહારેલી અને મુખ્યમંત્રી તેમજ મેયરને આવેદનપત્રો અને તેમના ઘર સુધી પહોંચવાની જાહેરાતો કરે છે ત્યારે અમુક આગેવાનોને ભાજપના પદાધિકારીઓ સાથેના સંબંધને લીધે લડતમાં કૂણું વલણ દાખવી રહ્યા છે. આમ માલધારી સમાજમાં ભાગલા પડી ગયા હોય એવુ લાગી રહ્યું છે.