અમદાવાદઃ નવરાત્રીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે, આ વર્ષે સોસાયટીઓમાં અને શેરી ગરબાને મંજુરી આપવામાં આવી છે. પણ પાર્ટીપ્લોટ્સ કે કલબોમાં ગરબાને મંજુરી આપવામાં આવી નથી. સોસાયટીઓમાં 400 લોકો સાથે ગરબાનું આયોજન કરી શકાશે. આ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે પણ તૈયારીઓ કરી લીધી છે. નવરાત્રિમાં પોતાની શેરી કે સોસાયટીમાંથી મિત્રો કે અન્ય સ્વજનોની શેરી કે સોસાયટીમાં ગરબા રમવા જતી યુવતીઓની અનેકવાર આવારા રોમિયો દ્વારા છેડતી થવાના બનાવો બને છે. પરંતુ આ વખતે અમદાવાદ શહેરની મહિલા પોલીસે સુરક્ષાની તૈયારીઓ કરી લીધી છે. હવે યુવતીઓની છેડતી કરતા રોમિયોની ખેર નથી કારણ કે મહિલા પોલીસની ખાનગી રાહે વૉચ ગોઠવાશે.
રાજ્ય સરકારે આ વર્ષે શરી ગરબાના આયોજનમાં 400 લોકોને મંજુરી આપી છે. ત્યારે આ સમય દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવશે. તે ઉપરાંત નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને લઈને શહેરમાં તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ શી ટીમ તૈનાત કરાશે. જે શેરી ગરબામાં ખાનગી રાહે ચણિયાચોળી પહેરીને મહિલાઓની છેડતી કરનારા રોમિયો પર વોચ રાખશે એવું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. મહિલા પોલીસ દ્વારા શહેરમાં યોજાતા શેરી ગરબાની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. આ તમામ જગ્યાએ પોલીસ દ્વારા ખાનગી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. જો જરૂર જણાશે તો આ વર્ષે પણ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગિરી કરતા રોમિયોને પાઠ ભણાવશે. તો બીજી તરફ પોલીસે પણ યુવતીઓને અપીલ કરી છે કે જ્યારે પણ યુવતીઓ બહાર જાય છે ત્યારે જ્યાં જઈ રહ્યા છે તેની વિગત પરિવારના સભ્યોને આપવી. જીપીએસ એક્ટિવ રાખવું ઉપરાંત કઈ પણ તકલીફ પડે તરત જ 100 નંબર પોલીસ કંટ્રોલ પર જાણ કરવા અપીલ કરાઈ છે.
નવરાત્રીના તહેવારમાં મહિલાઓની સુરક્ષા લઇ શહેર પોલીસ સજ્જ છે. અગાઉ પણ અનેક વાર મહિલા પોલીસની ટીમો પાર્ટી પ્લોટ કે અન્ય જગ્યાઓ પર ચણિયાચોળી અને ખાનગી ડ્રેસમાં ફરી છેડતી કરનારા રોમિયોની ધરપકડ કરતી હતી. આ વખતે પણ પોલીસ સોસાયટી, શેરી અને ફ્લેટમાં જઈને આ કામગીરી કરી મહિલાઓની સુરક્ષા પર વધુ ધ્યાન આપશે.