નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ વિકાસ પર કેન્દ્રીય બજેટની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “આઝાદી કા અમૃત કાળ માટેના અમારા સંકલ્પો દરેકના પ્રયત્નોથી જ સાકાર થશે અને દરેક વ્યક્તિ એ પ્રયાસ ત્યારે જ કરી શકશે જ્યારે દરેક વ્યક્તિ, વર્ગ અને પ્રદેશને વિકાસનો સંપૂર્ણ લાભ મળશે”.
તેમણે કહ્યું કે, બજેટમાં સરકારી વિકાસના પગલાં અને યોજનાઓના સંતૃપ્તિના લક્ષ્યને હાંસલ કરવા અને કેવી રીતે મૂળભૂત સુવિધાઓ સો ટકા વસતી સુધી પહોંચી શકે તે માટે સ્પષ્ટ માર્ગ નકશો આપવામાં આવ્યો છે. “બજેટમાં પીએમ આવાસ યોજના, ગ્રામીણ સડક યોજના, જલ જીવન મિશન, ઉત્તર-પૂર્વની કનેક્ટિવિટી, ગામડાઓમાં બ્રોડબેન્ડ જેવી દરેક યોજના માટે આવશ્યક ફાળવણી કરવામાં આવી છે”. “તે જ રીતે, વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ, જે બજેટમાં જાહેર કરવામાં આવ્યો છે તે સરહદી ગામો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે”.
વડાપ્રધાને સરકારની પ્રાથમિકતાઓ વિશે વિગતવાર જણાવ્યું હતું અને કહ્યું હતું કે ઉત્તર-પૂર્વ ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી વિકાસ પહેલ ઉત્તર-પૂર્વ પ્રદેશમાં મૂળભૂત સુવિધાઓની સંતૃપ્તિની ખાતરી કરશે. તેવી જ રીતે, સ્વામિત્વ યોજના ગામડાઓમાં રહેઠાણો અને જમીનને યોગ્ય રીતે સીમાંકન કરવામાં મદદ કરી રહી છે કારણ કે 40 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ જારી કરવામાં આવ્યા છે. યુનિક લેન્ડ આઇડેન્ટિફિકેશન પિન જેવા પગલાંથી, મહેસૂલ અધિકારીઓ પર ગ્રામીણ લોકોની નિર્ભરતા ઘટશે. “વિવિધ યોજનાઓમાં 100 ટકા કવરેજ હાંસલ કરવા માટે, આપણે નવી તકનીક પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે, જેથી પ્રોજેક્ટ ઝડપ સાથે પૂર્ણ થાય અને ગુણવત્તા સાથે પણ બાંધછોડ ન થાય”.
વડાપ્રધાનએ ધ્યાન દોર્યું કે ગ્રામીણ ડિજિટલ કનેક્ટિવિટી હવે માત્ર આકાંક્ષા નથી રહી પરંતુ જરૂરિયાત બની ગઈ છે. “બ્રૉડબેન્ડ માત્ર ગામડાઓમાં જ સુવિધાઓ પૂરી પાડશે નહીં પરંતુ ગામડાઓમાં કુશળ યુવાનોનો મોટો પૂલ પણ બનાવશે”. બ્રોડબેન્ડ દેશમાં ક્ષમતાઓ વધારવા માટે સેવા ક્ષેત્રનું વિસ્તરણ કરશે. વડાપ્રધાનએ ગ્રામીણ અર્થવ્યવસ્થાના પાયા તરીકે મહિલા શક્તિની ભૂમિકાને રેખાંકિત કરી હતી. “નાણાકીય સમાવેશથી પરિવારોના નાણાકીય નિર્ણયોમાં મહિલાઓની વધુ સારી ભાગીદારી સુનિશ્ચિત થઈ છે. સ્વ-સહાય જૂથો દ્વારા મહિલાઓની આ સહભાગિતાને વધુ આગળ વધારવાની જરૂર છે”.