- ભર શિયાળે વઢવાણમાં પાણીની સમસ્યા,
- સવારે પાણીનું વિતરણ કરવાની માગ ઊઠી,
- કેટલાક વિસ્તારોમાં ડહોળુ પાણી આવતું હોવાની પણ ફરિયાદો
સુરેન્દ્રનગરઃ વઢવાણમાં ભર શિયાળે પાણીની સમસ્યા જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા રાતના 2.30 વાગ્યે નળ દ્વારા પાણી આપવામાં આવતું હોવાથી મહિલાઓને રાતના ઉજાગરા કરવા પડી રહ્યા છે. અને પુરતા પ્રેશરથી પાણી પણ આપવામાં આવતું નથી. કેટલાક વિસ્તારમાં ડહોળું પાણી આવતું હોવાની પણ ફરિયાદો ઉઠી છે.
વઢવાણ શહેરમાં ભર શિયાળે પાણીની સમસ્યાથી શહેરીજનો પરેશાન થઇ રહ્યા છે. વઢવાણમાં અનેક વિસ્તારોમાં મધરાતે પાણી વિતરણ થઇ રહ્યું છે. મહિલાઓને ઉજાગરા થતા હોવાથી ભારે આક્રોશ ફેલાયો છે. આ મામલે સવારે પાણી વિતરણની માંગ ઊઠી છે. વઢવાણ નગરપાલિકાનો સુરેન્દ્રનગર પાલિકામાં સમાવેશ થતા સુવિધા વધવાને બદલે ઘટી છે. વઢવાણ શહેરની હજારોની જનતાને ભરશિયાળે પાણીની સમસ્યા પરસેવો છોડાવી રહી છે. વઢવાણ ખારવાની પોળ, દરવાજા બહાર મનસુરી વાસ, રાવલવાસ, હુડકો, દરબારી પ્લોટ સહિતના વિસ્તારમાં રાત્રે 2-30થી 3 વાગ્યે પાણી વિતરણ થાય છે. આથી આ વિસ્તારની મહિલાઓને મધ્યરાત્રીએ જાગીને પાણી ભરવું પડે છે. હાલ શિયાળાની ઠંડીનો ચમકારો વધતા ઠંડીમાં પાણી ભરવા ઊઠવું પડી રહ્યું છે. ઉપરાંત ડહોળું પાણી આવતું હોવાથી રોગચાળાનો ભય છે. નગરપાલિકા દ્વારા મોડી રાત્રે પાણી વિતરણ કરવામાં આવે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ હાલ વઢવાણનું કોઇ રણીધણી નથી. રાત્રે મહિલાઓ અને પરિવારને પાણી માટે ફરજિયાત જાગરણ કરવું પડે છે. પાલિકા કુંભકર્ણ નિંદ્રામાં છે. આથી વઢવાણની પ્રજાને જૂના સમય પ્રમાણે વહેલી સવારે પાણી આપે તેવી માંગ છે.