રાજકોટઃ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આજી સહિતના ડેમોમાં સમયાંતરે ઠાલવવામાં આવતું હોવાથી રાજકોટ શહેરની પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે, પરંતુ વહિવટી તંત્રની લાપરવાહીને કારણે શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ત્રણેક વર્ષ પહેલાં શહેરમાં ભળેલા છેવાડાના વિસ્તારમાં લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે શહેરના મોટામૌવા ખાતે પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહેલી મહિલાઓએ કાલાવડ રોડ પર માટલા ફોડી ચક્કાજામ કર્યો હતો. તેમજ ‘પાણી નહીં તો મત નહીં’નાં નારા લગાવવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરમાં મોટા મૌવા વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે. ગત ચૂંટણી સમયે પાણીની લાઇન આપવામાં આવી હતી. જોકે હજુ સુધી પાણી શરૂ કરવામાં આવ્યું નથી. જેને લઈને લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. આ અંગે સ્થાનિક આગેવાનોએ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નથી. આથી આ વિસ્તારની મહિલાઓએ ઉગ્ર વિરોધ કરીને કાલાવડ રોડ પર માટલા ફોડી ચક્કાજામ કર્યો હતો. તેમજ ‘પાણી નહીં તો મત નહીં’નાં નારા લગાવવામાં આવ્યા હતા.
મોટામૌવા વિસ્તારના સ્થાનિક લોકોના કહેવા મુજબ અમારા વિસ્તારમાં 25 કરતાં વધુ સોસાયટીમાં કુલ 25 હજાર કરતા વધુ લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં અનેક હાઇરાઇઝ બિલ્ડીંગો હોવા છતાં અહીં પાણી અને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. આ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. જેને લઈને અહીં રહેતા હજારો લોકોને પ્રતિદિન પાણી વેચાતું લેવાની ફરજ પડી રહી છે અને ગરીબ પરિવારોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે, ત્યારે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો મતદાનનો બહિષ્કાર કરશે તે નિશ્ચિત છે.
મોટામૌવા વિસ્તારમાં પાણી પ્રશ્ને રોષે ભરાયેલી મહિલાઓએ કાલાવડ રોડ ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન પોલીસની વાન તેમજ સિટી અને એસટી બસોને પણ જવા દેવામાં આવી નહોતી. મહિલાઓ દ્વારા રસ્તા પર માટલાઓ ફોડીને દેખાવો કરવામાં આવ્યા હતા. મહિલાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને પગલે અંદાજે અડધો કલાકથી એકાદ કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અંદાજે એકાદ કલાક ટ્રાફિક જામ રહ્યા બાદ પોલીસની સમજાવટથી ટ્રાફિક પૂર્વવત થયો હતો, ત્યારે આ વિસ્તારની પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.