મહિલાઓએ સોશિયલ મીડિયા મારફતે થતો અત્યાચાર સહન કરવા ન જોઈએ: સાયબર ક્રાઈમ
અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સામે સાયબર ક્રાઈમના ગુનામાં પણ વધારો થયો છે. એટલું જ નહીં યુવાનો સોશિયલ મીડિયાના મારફતે સગીરા અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા હોવાના અનેક કિસ્સા સામે આવે છે. દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે ખાસ ટીપ આપી છે જે સામાન્ય પાલન કરવાથી અનેક મુસીબતોથી બચી શકાય છે.
તેમણે જણાવ્યું હતું કે, અનેક એવી ટીનેજર, યુવતીઓ અને મહિલાઓ છે, જે સોશિયલ મીડિયામાં અનેક લોકોના સંપર્કમાં આવ્યા બાદ તેમની જિંદગી નર્કથી પણ બદતર થઈ જાય છે. અજાણ્યા લોકો ડ્યુઅલ પર્સનાલિટી જેવા હોય છે જે આગળ કઈક અલગ અને પાછળ કઈક અલગ હોય છે. જેથી સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ. તેમજ સોશિયલ મીડિયા દ્વારા થતા અત્યાચાર સહન કરવા ન જોઈએ તેનો ભોગ બનીને પરેશાન બનવું તેના કરતાં પોલીસની મદદ લેવી જોઈએ અને અત્યાચાર કરનારને સબક શીખવાડી શકાય છે. સોશિયલ મીડિયા વર્ચ્યુઅલ વર્લ્ડ એ સામે કોણ છે એ જાણી શકાતું નથી. અજાણ્યા વ્યક્તિઓપ્રોફાઈલ અને ફોટો, વીડિયો જોઈ ન શકે તે તેવા સેટીંગ સોશિયલ મીડિયામાં હોય છે. તેનો ઉપયોગ કરવો જોઈએ.