Site icon Revoi.in

વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધતા કોમર્શિયલ બિલ્ડિંગ ક્ષેત્રે મંદીઃ નવી ઓફિસો કોઈ ખરીદતું નથી

Social Share

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં મોટાભાગની કોર્પોરેટ કંપનીઓ અને નાની મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને વર્ક ટૂ હોમ કામ આપ્યું હતું. જેમાં કંપનીઓને મોટો ફાયદો થયો છે. એક તો કચેરીઓના એસીથી લઈને વીજળીના ખર્ચાઓ બચી ગયા છે અને બીજુ કે, કર્મચારીઓ ઓફિસ કરતા પોતાના ઘરે બેસીને વધુ સારીરીતે કામ કરે છે. આવી હવે મોટાભાગની કંપનીઓ હવે વર્ક ટુ હોમ કામગીરી કાયમ માટે ચાલુ રાખવા માગે છે. જેના લીધે કોમર્શિયલ એસ્ટેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાના સમયગાળામાં રિયલ એસ્ટેટમાં એક નવો જ ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોમર્શિયલ પ્રોપર્ટીમાં બહુ ફેરફાર થયો છે. ઘણા રિયલ એસ્ટેટમાં એજન્ટ્સ અને બિલ્ડર્સે પોતાના કોમર્શિયલ પ્રોજેકેટ્સને રહેણાક પ્રોપર્ટીમાં બદલી નાખ્યા છે. 2021ના જુલાઇ સુધી જ અમદાવાદમાં 25 જેટલા કોમર્શિયલ પ્રોજેક્ટસને આવાસ યોજનાઓમાં બદલી નાખવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં 1.82 કરોડ વર્ગ ફૂટની જમીનને આવાસ પ્રોજેક્ટ્સમાં શિફ્ટ કરાઇ છે.

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કુલ 1.50 કરોડ વર્ગ ફૂટની જમીનોને રહેણાકમાં ફેરવાઇ છે. કેટલાક મોટા રોકાણકારો જે કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે તેમણે પોતાની રોકાણ કરેલી જમીન હાલમાં હોલ્ડ પર રાખી મૂકી છે. આવી અંદાજે 24.21 લાખ વર્ગ ફૂટ (2.25 લાખ વર્ગ મીટર) જમીન માત્ર ચાર મહાનગરોમાં જ હોલ્ડમાં રખાયેલી છે. કોમર્શિયલ પ્રોજેકેટ્સમાં રોકાણ કરવાવાળા લોકો હમણાં ઓછા થયા છે. એની પાછળ કારણ પણ છે. છેલ્લા એક વર્ષમાં ઘરથી બહાર નીકળી ઓફિસમાં બેસવાનું કલ્ચર સાવ પૂરું જ થઇ ગયું છે. આવા સમયે જ્યારે કોઇ રોકાણ કરશે તો એને અગાઉથી બનેલા પ્રોજેકેટ્સ સાથે સ્પર્ધા કરવી પડશે. હાલમાં કન્સ્ટ્રક્શન મટીરિયલના ભાવ વધારે છે એટલે કુલ ભાવમાં પણ વધારો થશે. અગાઉથી બનેલાં પ્રોજેક્ટસમાં એ બાબતે થોડો ફાયદો થશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વર્ક ફ્રોમ હોમના કારણે નવી શરૂ થનારી કંપનીઓએ ઓફિસ ખરીદવાના સ્થાને વર્ક સ્ટેશન ભાડે લઇ લીધાં છે. કેટલાક રોકાણકારોનું કહેવું છે કે વર્ક સ્ટેશનનો જેટલો ઉપયોગ કરો એટલું જ ભાડું ચૂકવવાનું. જો ઓફિસ ભાડે લઇએ કે ખરીદીએ તો એક ચોક્કસ ખર્ચ થાય છે. છેલ્લા એક વર્ષમાં આઇ.ટી. સેક્ટરમાં ભારે તેજી જોવા મળી રહી છે. લૉકડાઉન ખૂલ્યા બાદ ઓછામાં ઓછી જગ્યા રાખવાનું ચલણ વધ્યું છે. વર્ક ફ્રોમ હૉમથી કંપનીઓને ખર્ચમાં ફાયદો થઇ રહ્યો છે.