વર્ક ફ્રોમ હોમ કલ્ચર કર્મચારીઓ માટે ઘાતકઃ અભ્યાસમાં થયો ખુલાસો
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોનાને પગલે વર્ક ફ્રોમ હોમનું કલચર મોટી-મોટી કંપનીએ અપનાવ્યું છે. ભારતમાં ગયા વર્ષે લોકડાઉન બાદ અનેક કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છુટ આપી હતી. હવે ઘરેથી કામ કરવાની આદત પડી ગઈ છે. પરંતુ વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓ માટે અનેક સમસ્યા ઉભી કરે છે. વધારે સમય એક જ જગ્યા ઉપર બેસી રહેવાથી આરોગ્યની સાથે માનસિક અસર થતી હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે.
હડર્સ યુનિવર્સિટીએ લાંબા સમય સુધી કામ પર બેસનારા લોકો પર એક અભ્યાસ કર્યો હતો. જેમાં જોવા મળ્યુ કે જે લોકો આઠ કલાકથી વધુ સમય સુધી બેસીને કામ કરે છે કે પછી વર્ક ફ્રોમ હોમના કારણે લાંબો સમય ઘરે જ રહે છે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. યુનિવર્સિટીએ અભ્યાસમાં 300 લોકોને સામેલ કર્યાં છે. જેમાંથી 50 ટકાથી વધારે લોકો 8 કલાકથી વધારે સમય એક જ સ્થળ પર બેસી રહેતા હતા. તેમના અભ્યાસમાં પહેલાથી જ ખરાબ આરોગ્યની સ્થિતિની સાથે માનસિક સ્વાસ્થ્યને પણ ગંભીર અસર થતી હોવાનું ચોંકાવનારુ તારણ સામે આવ્યું છે.
અભ્યાસ બાદ યુનિવર્સિટીએ આવા કર્મચારીઓને નિયમિત 30 મિનિટથી વધારે કસરત કરવાની ભલામણ કરી છે. તેમજ સતત બેસી રહેવાને બદલે થોડી વાર માટે કામમાંથી બ્રેક લઈ આસપાસ થોડુ ચાલવા અને રિલેક્સ થવું જોઈએ. આ ઉપરાંત કામમાંથી થોડા સમયનો બ્રેક લઈને ફુલછોટને પાણી તથા ખાતર આપવું જોઈએ. તેમજ રિલેક્સ થવા માટે અન્ય પ્રવૃતિ કરવા માટે પણ ભલામણ કરી છે.
(Photo-File)