સરહદ પર મોબાઈલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છેઃ અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા અને રમતગમત બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુર વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ત્રણ દિવસીય લેહ-લદ્દાખની મુલાકાતે છે. આ દરમિયાન તેણે લેહથી 211 કિલોમીટર દૂર ભારત-ચીન સરહદે આવેલા ગામ ‘કર્જોક‘માં રાત્રિરોકાણ કર્યું હતું. આ ઉપરાંત યુવા બાબતો અને રમત-ગમત મંત્રીએ 14000 ફૂટની ઉંચાઈએ આવેલી પુગા રેસિડેન્શિયલ સ્કૂલની મુલાકાત દરમિયાન યુવાનો સાથે વોલીબોલ પણ રમ્યા હતા. તેમજ રાત્રિએ મોબાઈલ ફોનની લાઈટમાં ટેબલ ટેનિસમાં પણ હાથ અજમાવ્યો હતો. આ દરમિયાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, લેહ લદ્દાખના યુવાનો પ્રતિભાથી ભરપૂર છે. 2014 પહેલા તેની પ્રતિભા જોનાર કોઈ ન હતું. આજે પીએમ મોદીના નેતૃત્વમાં તેમની પ્રતિભાનું સન્માન કરવામાં આવી રહ્યું છે.”
ભારત-ચીન સરહદને અડીને આવેલા ગામોના વિકાસ પ્રત્યે મોદી સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારત-ચીન સરહદ પર સ્થિત વિસ્તારોમાં પ્રસારણ અને નેટવર્ક કનેક્ટિવિટી વધારવા માટે સરકાર નિશ્ચયપૂર્વક કામ કરી રહી છે. અમે ટૂંક સમયમાં ભારત-ચીન બોર્ડર પર દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને દૂરદર્શન ફ્રી ડિશ કનેક્શન પ્રદાન કરીશું. આ સિવાય વધુ સારી મોબાઈલ કનેક્ટિવિટી આપવા માટે પણ ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે. ડીડી “ફ્રી-ડિશ” પ્લેટફોર્મ દ્વારા સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે, સરકારે સરહદી વિસ્તારોના ગામડાઓમાં 1.5 લાખ મફત “ફ્રી-ડિશ”નું વિતરણ કરવાની દરખાસ્ત કરી હતી.
અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, “અમે લેહ લદ્દાખને વિકાસની દૃષ્ટિએ બાકીના ભારતની સમકક્ષ લાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ. રસ્તા, પુલ, ટનલ વગેરે જેવી ભૌતિક જોડાણની સાથે અમે અહીં ડિજિટલ કનેક્ટિવિટી પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ. સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ લદ્દાખમાં અનેક વિકાસ કાર્યો થયા છે. આજે અહીંના લોકોને સીધી સરકારી સહાય મળી રહી છે, 24 કલાક વીજળી મળી રહી છે, રૂ. 21,000 કરોડના ખર્ચે અલ્ટ્રા-લાર્જ સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે, આજીવિકાની વધુ સારી તકો, લેહ ગોનમાં 375 મોબાઈલ ટાવર લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, આજે પણ છેવાડાના ચાંગથાંગ વિસ્તારમાં જલ જીવન મિશન (JJM) હેઠળ દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.